ભાદરવી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં ડીસાથી અંબાજી સુધી આશરે 100 કિલોમીટરની ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’ યોજાઈ હતી.
મંત્રી પ્રવીણ માળીએ પોતે સાઇકલ ચલાવીને યાત્રામાં ભાગ લીધો અને ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંદેશ આપ્યો. આ અભિયાનમાં સાઇકલિસ્ટ અને પગપાળા માઈભક્તો સહિત કુલ 120થી વધુ લોકો જોડાયા હતા.
યાત્રા દરમિયાન ડીસાથી અંબાજી માર્ગ પર આવેલા સેવા અને ભક્તિ કેમ્પોમાં બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ડીસાથી અંબાજી સુધી 100 કિલોમીટરની સાઇકલ યાત્રા
ભાદરવી પૂનમ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી તરફ પદયાત્રા કરતા હોય છે. આ ધાર્મિક યાત્રાને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાના હેતુથી ‘પ્લાસ્ટિક મુક્ત સાઇકલ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી પ્રવીણ માળીએ ડીસાથી અંબાજી સુધી આશરે 100 કિલોમીટર સાઇકલ ચલાવી હતી. આ દરમિયાન તેમણે પ્રદૂષણમુક્ત પરિવહન એટલે કે ગ્રીન મોબિલિટી, ફિટનેસ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો.
સાયકલિંગ લવર્સ અને IMA ડીસાના સભ્યો સાથે ડીસા થી અંબાજી સુધી ૧૦૦ કિમીની સાયકલ યાત્રા કરી.
આ 100 કિલોમીટરની યાત્રા ભક્તિ સાથે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને લોકો સુધી પહોંચાડવાની એક જાગૃતિ યાત્રા છે. જેમાં દરેક સભ્યોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો. pic.twitter.com/6xU4wZAL71
— Pravinbhai Gordhanji Mali (@pravinmalibjp) September 23, 2026
‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો આપ્યો સંદેશ
મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ડીસાના સાઇકલિસ્ટ મિત્રો અને માઈભક્તો ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંદેશ લઈને મા અંબાના ધામ તરફ નીકળ્યા હતા.
તેમના જણાવ્યા પ્રમાણે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તિની સાથે પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો હતો.
ધાર્મિક યાત્રાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી પ્લાસ્ટિક અને અન્ય કચરાનું પ્રમાણ વધી શકે છે. આવી સ્થિતિમાં યાત્રાળુઓ અને સેવા કેમ્પો સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ
યાત્રા દરમિયાન પ્લાસ્ટિકમુક્તિના સંદેશને વ્યવહારિક સ્વરૂપ આપવા માટે ડીસાથી અંબાજી વચ્ચેના વિવિધ સેવા અને ભક્તિ કેમ્પોમાં બાયોડિગ્રેડેબલ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પ સંચાલકો અને અંબાજી તરફ જતા પદયાત્રીઓને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા અને પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડતા વિકલ્પો અપનાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ અંબાજી યાત્રાધામની સાથે યાત્રાના સમગ્ર માર્ગને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવાનો હતો.
120થી વધુ માઈભક્તો યાત્રામાં જોડાયા
આ વિશેષ અભિયાનમાં મંત્રી પ્રવીણ માળી સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આપેલી માહિતી અનુસાર આશરે 60 સાઇકલિસ્ટ અને 60 પગપાળા યાત્રાળુઓ સહિત 120થી વધુ માઈભક્તોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો.
પર્યાવરણ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતી આ પહેલમાં IMA ગ્રુપ, ડીસાનો પણ સહયોગ મળ્યો હતો.
ગ્રીન મોબિલિટી અને ફિટનેસનો સંદેશ
100 કિલોમીટરની સાઇકલ યાત્રા દ્વારા પર્યાવરણની સાથે શારીરિક સ્વાસ્થ્ય અંગે પણ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાઇકલિંગને પ્રદૂષણમુક્ત પરિવહનના વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરતાં ગ્રીન મોબિલિટી અને ફિટનેસને રોજિંદા જીવનનો ભાગ બનાવવા સંદેશ આપવામાં આવ્યો હતો.
મંત્રી પ્રવીણ માળીએ આ પહેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ સાથે જોડીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
— Pravinbhai Gordhanji Mali (@pravinmalibjp) September 23, 2026
અંબાજી પહોંચીને મા જગદંબાના દર્શન કર્યા
100 કિલોમીટરની સાઇકલ યાત્રા પૂર્ણ કરીને મંત્રી પ્રવીણ માળી અને અન્ય યાત્રાળુઓ અંબાજી પહોંચ્યા હતા. અહીં મંત્રીએ મા જગદંબાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
તેમણે ચાચર ચોકમાં આયોજિત ગરબામાં પણ ભાગ લીધો હતો. ભાદરવી પૂનમના ધાર્મિક માહોલ વચ્ચે આ યાત્રાએ શ્રદ્ધાની સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
‘યાત્રા સાથે જવાબદારી’નો સંદેશ
ડીસાથી અંબાજી સુધીની આ યાત્રામાં ધાર્મિક શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા, યાત્રા સાથે જવાબદારી અને દરેક પગલે પર્યાવરણની કાળજી’ના સંદેશ સાથે આયોજિત અભિયાનમાં યાત્રાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા અને યાત્રાધામ તથા યાત્રામાર્ગની સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel