બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરો પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. જિલ્લામાં આવેલા દરેક મંદિરનો અનોખો ઇતિહાસ છે. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ ગામે આવેલું આઈ માતાનું મંદિર સમગ્ર ગુજરાતભરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. 2019માં આઇ માતાના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે અખંડ જ્યોત છે તે જ્યોતમાંથી કેસર નીકળે છે જેને આઇ માતાનો ચમત્કાર માનવામાં આવે છે. આ ચમત્કારને લઈ આઇ માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.
ભોયણ ગામે આવેલા આઈ માતાના મંદિરનો ઇતિહાસ રાજસ્થાનમાં આવેલા આઈ માતાના મંદિર સાથે જોડાયેલો છે. આઈ માતાના મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. 500 વર્ષ પહેલા રાજસ્થાનમાં રહેતા બીકા ડાભીના ઘરે શેર માટીની ખોટ હતી એટલે તેમણે અંબાજીમાં આવી અંબા માતાની ઉપાસના કરી અને માતાજી પાસે સંતાન પ્રાપ્તિ માટે વચન માંગ્યું ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ બીકા ડાભીને કહ્યું કે તારા ભાગ્યમાં સંતાન સુખ લખ્યું નથી પણ હું તારા ઘરે જન્મ લઈશ.
જ્યોતની અંદર જતા માતાજીએ દરેક લોકોને કહેલું કે હું આ ઓરડીમાં અંતર ધ્યાન કરવા બેસું છું એટલે કોઈએ ઓરડી ખોલવી નહીં પરંતુ ઘણો સમય થયો એટલે રાજસ્થાનના દિવાન સાહેબે ઓરડી ખોલી ત્યારે માતાજીની જગ્યાએ ઓરડીમાં એક જ્યોતની અંદરથી કેસર પડતુ હતું એટલે દિવાન સાહેબે લોકોને બોલાવી જ્યોતમાં પ્રગટ થયેલા માતાજીના દર્શન કરાવ્યા હતા અને ત્યારથી જ્યોત પર કેસરની ધારા જોવા મળે છે. અને એટલે જ ભાવિકોમાં આઈ માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી સમગ્ર ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં 500 મંદિર બનાવવામાં આવ્યા છે.
વર્ષ 2019માં ડીસાના ભોયણ ગામે ભાવિક ભક્તોએ મળીને આઈ માતાનું વિશાળ મંદિર બનાવી રાજસ્થાનના બિલાડા ગામથી માતાજીની અખંડ જ્યોત લાવી મંદિરની અંદર રાખવામાં આવી છે અને તેમાં પણ કેસરની ધારા થાય છે. અખંડ જ્યોતના દર્શન કરવા દર વર્ષે ભોયણ ગામે આઈ માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ચૈત્રી બીજના દિવસે તો સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો ભક્તિ અને આસ્થા સાથે આ મંદિરે દર્શન કરવા માટે આવે છે. આઈ માતાના મંદિરે દર વર્ષે મોટા હવનનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાવિકો આસ્થા સાથે જોડાઈ માતાજીને આહુતિ આપી મહાઆરતી કરે છે મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાતા દરેક શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં સુખ શાંતિ રહે તેના માટે માતાજીને પ્રાર્થના કરે છે.
રાજસ્થાનથી પ્રગટ થયેલા આઈ માતાના મંદિર આજે સમગ્ર ભારતભરમાં જોવા મળે છે બિલાડા ગામે આઇ માતાના મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા વધતા આજે ભારતભરમાં 500 થી પણ વધુ જગ્યાએ આઈ માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેમાંનું એક મંદિર એટલે ડીસાના ભોયણ ગામનું આઈમાતાનું મંદિર. રાજસ્થાનથી માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા વધતા-વધતા આજે સમગ્ર ભારતભરમાં પહોંચી છે દરેક મંદિરે ભાવિકો જ્યોતના દર્શન કરી ધન્ય થાય છે.
ઘણા ભાવિકો પોતાનું કોઈપણ પ્રકારનું કામ હોય તો તે છોડીને પણ આઈ માતાના મંદિરે દર્શન કરવા આવે ત્યારે તેને માતાજીનો હુકમ થયાની લાગણી અનુભવી છે. દરેક શ્રદ્ધાળુ પર હંમેશા આઈ માતાના આશીર્વાદ રહે જ છે. ભાવિકો પોતાના ધંધા રોજગારનું કામ હોય, કોઈ નિસંતાન હોય અને જીવનમાં બીજી કોઈપણ સમસ્યા હોય તો તે માતાજીના શરણે આવી સાચી શ્રદ્ધાથી માતાજી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરે છે ત્યારે તેમને માતાજીના અચૂકથી આશીર્વાદ મળે જ છે.
મંદિરે આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. જે શ્રદ્ધાળુને ઉપવાસ હોય તેમના માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવે છે. નિત્ય મંદિરે આવતા ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય થાય છે અને ભોજન પ્રસાદનો લાભ લઈ શાંતિનો અહેસાસ કરી સકારાત્મક ઉર્જાના સંચાર સાથે ઘરે જાય છે.