જાહેર માર્ગો પર વાહનોની સતત અવરજવરથી માર્ગો પ્રકાશિત રહ્યા
“ઓપરેશન અભ્યાસ” અંતર્ગત મોકડ્રિલના બીજા તબક્કામાં સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેક આઉટ કરવા અંગે નવસારી જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લામાં લોકોએ મોકડ્રિલની ગંભીરતાને સમજી જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી પોતાના ઘરોના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખી તંત્રને સાથ સહકાર આપ્યો હતો. જોકે, આ બ્લેક આઉટમાં લોકોએ સંપૂર્ણ સહકાર આપ્યો ન હતો. કેમકે, શહેરમાંં ઘણી જગ્યાએ ઘરોની લાઇટ, દુકાનોની લાઇટ, મોલની લાઈટો ચાલુ જણાઈ હતી. તો બીજી તરફ સરકારી કચેરીઓમાં સદંતર અંધારપટ કરવામાં આવ્યો હતો. તો ખાણીપીણીની લારી ધરાવનારાઓએ પણ લાઈટો બંધ કરી દીધી હતી. વધુમાં જાહેર માર્ગો પર વાહનોની સતત અવરજવર રહેવાથી માર્ગો પ્રકાશિત રહ્યા હતા. ઘણા યુવાનો બાઇક તથા કાર લઈને અંધારામાં લટાર મારવા પણ નીકળ્યા હતા. બેલ્ક આઉટમાં સરકારી તથા પોલીસ તંત્ર ખડેપગે રહ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, હવાઈ હુમલો દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો કઠિન પરિસ્થિતિમાં કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રિલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો સામૂહિક અભ્યાસ હોવાથી ‘ઓપરેશન અભ્યાસ’ નામ આપવામાં આવ્યું હતું.