એપ્રિલ, 2018થી 1 ઓગસ્ટ, 2023 સુધી આ યોજના હેઠળ 24.33 કરોડ કાર્ડ બનાવવામાં આવ્યા.
દેશના જરૂરિયાતમંદ નાગરિકોને સારવારમાં રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનામાં મોટી ગેરરીતિ સામે આવી છે. આ ચોંકાવનારો દાવો દેશના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ કર્યો છે.
કેગે આ યોજના અંગે જારી કરેલા પોતાના ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ યોજનાનો લાભ એવા દર્દી પણ ઉઠાવી રહ્યાં છે જેમને અગાઉ મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. આટલુ જ નહીં એબી-પીએમજેવાય સ્કીમના આઠ લાખ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન એક જ મોબાઇલ નંબરથી કરવામાં આવ્યું છે.
ઓડિટમાં સૌથી મોટી ખામી એ સામે આવી છે કે આ યોજના હેઠળ એવા દર્દી સારવાર કરાવી રહ્યાં છે કે જેમને અગાઉ મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. મૃત્યુના કેસોના ડેટાનું પૃથક્કરણ કરવાથી જાણવા મળ્યું છે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઉપચાર દરમિયાન ૮૮,૭૬૦ દર્દીઓના મોત થયા હતાં.
આ દર્દીઓના સંબધમાં નવી સારવારથી સંબધિત કુલ ૨,૧૪,૯૨૩ દાવાઓને સિસ્ટમમાં ચુકવણીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે. ઓડિટ રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ઉપરોકત દાવાઓમાં સામેલ લગભગ ૩૯૦૩ કેસોમાં ક્લેઇમની રકમની ચુકવણી હોસ્પિટલોને કરવામાં આવી છે. જેમાં ૩૪૪૬ દર્દીઓથી સંબધિત પેમેન્ટ ૬.૯૭ કરોડ રૂપિયા હતું.
મૃત્યુ પામેલા વ્યકિતઓની સારવારનો કલેઇમ કરવાના સૌથી વધારે કેસો દેશના પાંચ રાજ્યોમાં જોવા મળ્યા છે. જેમાં છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મધ્ય પ્રદેશ સામેલ છે.
કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના દાવાઓના સફળ ચુકવણી રાજ્ય આરોગ્ય એજન્સીઓ (એસએચએ)ની તરફથી અપેક્ષિત તપાસ કર્યા વગર મોટી ગેરરીતિ તરફ ઇશારો કરે છે.
ઓડિટમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનામાં એક જ લાભાર્થીને એક જ સમયમાં અનેક હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા હતાં.
કેગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાભાર્થીઓના રજિસ્ટ્રેશનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ત્રણ નંબર પર કુલ ૯.૮૫ લાખ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
૯૯૯૯૯૯૯૯૯૯ નંબર પર ૭.૪૯ લાખ, ૮૮૮૮૮૮૮૮૮૮ નંબર પર ૨,૦૧,૪૩૫ અને ૯૦૦૦૦૦૦૦૦૦ નંબર પર ૧૮૫૩૯૭ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર એક ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કુલ ૨૪.૩૩ કરોડ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ યોજનાની શરૂઆત એક એપ્રિલ, ૨૦૧૮ના રોજ કરવામાં આવી હતી.