ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ જો બાયડન વચ્ચે આજે (ગુરૂવારે) એકથી એક મંત્રણા યોજાઈ હતી. ઉચ્ચ કક્ષાનાં પ્રતિનિધિ મંડળોની મંત્રણા પૂર્વે પ્રમુખ બાયડન અને નરેન્દ્ર મોદી વચ્ચે આ મંત્રણા યોજાઈ હતી.
બંને દેશોનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે જે મંત્રણાઓ યોજાવાની છે, તેમાં સંરક્ષણ અંતરિક્ષ, શુધ્ધ ઊર્જા અને મહત્ત્વની ટેકનોલોજી વિષે ચર્ચા થશે.
વ્હાઇટ હાઉસમાંથી બુધવારે પ્રસિધ્ધ થયેલી યાદી જણાવે છે કે : આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચે સઘન ભાગીદારી સ્થાપવા તથા ભારતીયો અને અમેરિકનો વચ્ચે કૌટુમ્બિક તથા મૈત્રી-પૂર્ણ બંધનો રચવા વિષે ચર્ચા થશે.
યાદી વધુમાં જણાવે છે કે, આ મુલાકાત બંને દેશોની મુક્ત અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક વિસ્તાર રચવા માટેની પ્રતિબધ્ધતા તથા સંરક્ષણ, શુદ્ધ ઊર્જા અને અંતરિક્ષ ક્ષેત્રે ભાગીદારી વધારવામાં સહાયભૂત થશે. આ ઉપરાંત, ઋતુ-પરિવર્તનો વર્ક ફોર્સ ડેવલપમેન્ટ અને હેલ્થ સિક્યુરીટી વિષે પણ ચર્ચા યોજાશે.
નરેન્દ્ર મોદીનાં આગમનને વ્હાઇટ-હાઉસની સાઉથ લોનમાં ૨૧ ધડાકાની સલામી સાથે વધાવવામાં આવ્યું તે પછી પ્રમુખ બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડને તેઓનું સ્વાગત કર્યું. આ સમયે હજ્જારો ભારતીયો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્વાગતમાં ઉપપ્રમુખ કમલા હેરિસ અને સેકન્ડ જેન્ટલમેન ડગ્લાસ એમહોફ પણ આ સત્કાર સમારંભમાં ઉપસ્થિત હતાં.
આ પછી બે મહાન લોકશાહીઓના બંને નેતાઓએ ઓવલ ઓફીસમાં એકથી એક મંત્રણાઓ કરી હતી.