કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે નવેસરથી વિવાદ વધારે તેવું પગલું કેન્દ્ર સરકાર ભરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે કે જેની મદદથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને દેશના ટોચના ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયામાંથી બહાર કરી દેશે. મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવા શરતોઅ ને કાર્યકાળની મુદ્દત) બિલ, 2023 આજે રાજ્યસભામાં રજૂ થઈ શકે છે.
બિલમાં શું છે જોગવાઈ?
આ બિલમાં પ્રસ્તાવ મૂકાયો છે કે ચૂંટણીપંચના ટોચના અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નોમિનેટ એક કેન્દ્રીય કેબિનેટમંત્રીની સમિતિની ભલામણ પર કરાશે. તેમાં જણાવાયું છે કે વડાપ્રધાન આ સમિતિનું નેતૃત્વ કરશે.
બિલનો ઉદ્દેશ્ય શું છે?
ખરેખર બિલનો ઉદ્દેશ્ય સુપ્રીમકોર્ટના માર્ચ 2023ના ચુકાદાને નબળો કરવાનો છે જેમાં એક બંધારણીય બેન્ચે કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક, ચૂંટણી કમિશનરોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની સમિતિની ભલામણના આધારે કરાશે.
અનેક મામલે સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ
આ બિલ સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર વચ્ચે નવેસરથી વિવાદ ઊભો કરવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી શકે છે. જજોની નિમણૂકથી લઈને દિલ્હી સેવા એક્ટ જેવા વિવાદિત કાયદા સુધી અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર અને સુપ્રીમકોર્ટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દિલ્હી મામલે સુપ્રીમકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં જમીન, જાહેર વ્યવસ્થા અને પોલીસ સિવાય તમામ સેવાઓને નિયંત્રિત કરશે.