દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ સમિટમાં (BRICS 2023) ગુરુવારે એક મહત્વપૂર્ણ ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની (Xi Jinping) મુલાકાત થઈ હતી. બંને નેતાઓ મંચ પર જતા સતત વાતચીત કરી રહ્યા હતા. વર્ષ 2020થી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે સરહદ પર તણાવ છે અને આ દરમિયાન બંને નેતાઓની આ મુલાકાત મહત્વપૂર્ણ બની જાય છે.
G-20 સમિટ દરમિયાન થોડા સમય માટે મળ્યા હતા
ગલવાન 2020ની ઘટના બાદ ભારત અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ નથી. બંને નેતાઓ આ પહેલા G-20 સમિટ દરમિયાન થોડા સમય માટે મળ્યા હતા અને હવે BRICS સમિટમાં પણ એવું જ થયું છે. બ્રિક્સ સમિટ પહેલા ભારત-ચીન સેનાએ લદ્દાખ બોર્ડર પર વાતચીત કરી હતી, પરંતુ અત્યાર સુધી બંને દેશોએ સેના સ્તરે ઘણા દેશો સાથે વાતચીત કરી છે.
ભારતે પ્રસ્તાવને સમર્થન આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જેમાં તેઓ BRICS સમિટમાં જુદા-જુદા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ સમિટમાં બ્રિક્સ દેશોની સંખ્યા વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. ભારતે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ બેઠકમાં ચર્ચા થઈ હતી અને બ્રિક્સ સભ્યોના વિસ્તરણ પર નિર્ણય લેવામાં આવ્યો હતો, ભારત તેનું સમર્થન કરે છે.
બ્રિક્સ નેતાઓનો આભાર માન્યો
ગુરુવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જે દરમિયાન પીએમ મોદીએ ચંદ્રયાન-3ની સફળતા પર અભિનંદન આપવા બદલ બ્રિક્સ નેતાઓનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ અહીં કહ્યું કે, ભારત દ્વારા નિર્ધારિત લક્ષ્ય સુધી કોઈ પહોંચી શક્યું નથી. વિજ્ઞાને આપણને ચંદ્રના આવા ભાગ સુધી પહોંચાડ્યું છે, તે વૈજ્ઞાનિકોની સફળતા છે.
આ સમૂહમાં 6 નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, BRICS 2023નો મુખ્ય એજન્ડા તેનો વિસ્તાર કરવાનો હતો, આ વખતે આ સમૂહમાં 6 નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આર્જેન્ટિના, ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE સામેલ છે. આ બેઠક પહેલા લગભગ 2 ડઝન દેશો દ્વારા BRICSમાં સામેલ થવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.