ચીનના મીડીયાએ એવો દાવો કર્યો હતો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ શી જિન-પિંગને મળવા માટે સમય માગ્યો હતો, અને બંને નેતાઓ વચ્ચે થયેલ વાતચીત ઘણી જ મોભાસરની અને ઊંડાણ ભરેલી રહી.
આ પછી બંને પક્ષો વચ્ચે રાજદ્વારી ટપાટપી શરૂ થઈ ગઈ. ભારતનાં સાધનોએ જણાવ્યું હતું કે દ્વિ પક્ષીય મંત્રણા માટે ચીન તરફથી ઘણા સમયથી માગણી હતી. આ વખતે જોહાનિસબર્ગમાં બંને નેતાઓ વીવીઆઈપી લોન્જમાં મળ્યા ત્યાં સાહજિક અનૌપચારિક વાતચીત જ થઈ હતી. આ રીતે વિદેશ મંત્રાલયે ચીનનો તે દાવો ફગાવી દીધો હતો કે વડાપ્રધાન મોદીએ શી-જિનપિંગને મળવા માટે આતુરતા દર્શાવી હતી.
જ્યારે ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શીએ ભારત-ચીન સંબંધો સુધારવા માટે વધુ જોર આપ્યું હતું અને કહ્યું હતું કે તે બંને પક્ષોનાં સમાન હિતમાં છે. તેમજ તે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે પણ શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે જરૂરી છે.
શી જિન-પિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીતને ભારતનાં વિદેશ મંત્રાલયે ઘણી અર્થસભર રીતે દર્શાવી છે. વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ ગુરૂવારે સાંજે યોજેલી એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે (આ વાતચીત દરમિયાન) વડાપ્રધાને કેટલાક વણઉકલ્ય પ્રશ્નો અંગે ચિંતા દર્શાવી હતી અને કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોને સામાન્ય કરવા માટે શાંતિ અને સહજતા સ્થાપવા માટે સરહદે શાંતિ જાળવવી, સરહદો તથા એલ.એ.સી. ઉપર શાંતિ રાખવા ઉપરાંત પરસ્પરનાં સાર્વભૌમત્વનો સ્વીકાર કરવો તેટલું જ મહત્વનું છે.
આ ઉપરાંત બંને નેતાઓ પોત-પોતાના અધિકારીઓને તેવું પણ સૂચન કરવા સહમત થયા હતા કે તેઓએ સંબંધિત અધિકારીઓને સરહદોએ તથા એલ.એ.સી. શાંતિ જાળવવા અને સેના ઘટાડવા કહેવું જરૂરી છે.
આ અંગે નિરીક્ષકો કહે છે કે આ બધી વાતો તો માત્ર થાગડથૈયા જેવી જ બની રહેવા સંભવ છે. ચીનને શાંતિ જાળવવી જ હોત તો ૧૯૬૨માં પણ ચીનાઓ હુમલો કરી હજારો ચો.કી.મી.ની જમીન પચાવી જ શું કામ હોત.