ભાજપ મિશન-2024માં મોટાપાયે જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મોદી સરકારના કામ અને નીતિઓને ગામડે ગામડે અને ઘરે ઘરે લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ (BJP) સમર્થિત જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખો, પ્રધાનો, BDC સભ્યો, બ્લોક હેડને ચૂંટણીની તાલીમ આપવામાં આવશે. PM મોદી હરિયાણાના સૂરજકુંડમાં સોમવારથી શરૂ થઈ રહેલા ‘જિલ્લા પંચાયત રાજ પરિષદ’ કાર્યક્રમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ રીતે ભાજપ ગ્રામીણ વિસ્તારના મતદારોને દેશની સત્તામાં હેટ્રિક મેળવવા માટે ચૂંટણી ટિપ્સ આપશે.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દેશભરમાં ત્રણ તબક્કામાં જિલ્લા પંચાયતના સભ્યો અને ADC પ્રમુખો અને ઉપપ્રમુખોનો તાલીમ કાર્યક્રમ શરૂ કરી રહી છે. તેની શરૂઆત સૂરજકાંડથી થઈ રહી છે. ભાજપ 7 અને 8 ઓગસ્ટના રોજ બે દિવસ માટે 6 સત્રનો તાલીમ કાર્યક્રમ ચલાવશે. ભાજપના સીનિયર નેતાઓ જિલ્લા પંચાયત પ્રમુખો અને ADC પ્રમુખો/ઉપપ્રમુખોને તાલીમ આપશે. PM મોદી સોમવારે પંચાયત સભ્યોના સંમેલનને સંબોધિત કરશે.
ભાજપની નજર ગામડાઓના મતદાતાઓ પર
ભાજપની રણનીતિ છે કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગામડે ગામડે જિલ્લા પંચાયત પ્રમુખો અને જિલ્લા પંચાયત સભ્યોને તાલીમ આપીને લોકોને સીધા જોડવામાં આવશે. ભાજપ શરૂઆતથી શહેરી વિસ્તારોમાં મજબૂત છે, પરંતુ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ પાર્ટીનો વ્યાપ વધ્યો છે. હવે ભાજપનું સંપૂર્ણ ધ્યાન ગ્રામીણ વિસ્તારના મતદારો પર છે, જેમને મદદ કરવા માટે તે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી કેવી રીતે સુલભ બનાવવા તે અંગે વિસ્તૃત રણનીતિ તૈયાર કરીને પંચાયતના સભ્યોને કામે લગાડવામાં આવશે.
BJP તમામ રાજ્યોમાં ચલાવશે ટ્રેનિંગ પ્રોગ્રામ
ભાજપ દેશભરમાં ગ્રામ પ્રધાન, ગ્રામ પંચાયત સભ્ય, બ્લોક પ્રમુખ, બીડીસી સભ્યોને ટ્રેનિંગ પ્રોગ્રામ તમામ રાજ્યોમાં રાખશે.ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન બીએલ સંતોષ સહિત મોદી સરકારના મંત્રીઓ અને પાર્ટી સંગઠન સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓ ચૂંટણી ટિપ્સ આપવાનું કામ કરશે. પંચાયત પરિષદમાં ભાગ લેનાર તમામ પંચાયત પ્રમુખો અને સભ્યોએ કોન્ફરન્સ રૂમમાં અથવા કાર્યક્રમ સ્થળે 24 કલાક રહેવાનું રહેશે.
ક્યાં-કયાં રાજ્યો સામેલ
ભાજપે પહેલા જૂથમાં હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના જિલ્લા પંચાયત સભ્યો અને બીડીસી સભ્યોનું સંમેલન હશે.
બીજા જૂથમાં, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓના પંચાયત સભ્યોની પરિષદો હશે. આ કાર્યક્રમ 13 અને 14 ઓગસ્ટે યોજાશે, જેમાં પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે જોડાઈ શકે છે. એ જ રીતે ત્રીજા જૂથમાં ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દાદર નગર હવેલી જેવા રાજ્યો હશે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ 18 અને 19 ઓગસ્ટે યોજાશે, જેમાં પીએમ મોદી પણ ભાગ લેશે.