અમદાવાદ શહેરમાં ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે સંકળાયેલા રેકેટ અંગે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ છે. તપાસ દરમિયાન ત્રણ બેંક ખાતાઓમાં કુલ ₹550 કરોડથી વધુની શંકાસ્પદ લેવડદેવડ સામે આવી છે.
550 કરોડના ટ્રાન્ઝેક્શનથી ખળભળાટ
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદે સટ્ટાબાજી દ્વારા મેળવાયેલી રકમને કાયદેસર બતાવવા માટે મની લોન્ડરિંગની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે PMLA (Prevention of Money Laundering Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસમાં ખુલ્યું છે કે પ્રદીપ ઓડ નામના વ્યક્તિના બેંક ખાતામાં ₹300 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. પ્રદીપ ઓડ રેપિડો ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેના ખાતાનો ગેરઉપયોગ કરીને સટ્ટાબાજીથી જોડાયેલા નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
એકાઉન્ટ ખોલાવનાર અને ઓપરેટરનો ભેદ ખુલ્યો
કેસમાં કિરણ પરમાર ઉર્ફે લાલો દ્વારા એકાઉન્ટ ખોલાવી અને તેને ઓપરેટ કરવાનું કામ કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ રેકેટમાં શેરબજારમાં પણ કૃત્રિમ સોદાઓ કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને વધુ આરોપીઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel