ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની અનોખી પહેલ ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’એ આ વર્ષે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. પ્રોજેક્ટના ત્રણેય સ્થળોએ પહેલો વિકએન્ડ જ 50,000થી વધુ લોકોએ મુલાકાત લઈને સંગીત, નાટ્યકલા, નૃત્ય, સાહિત્ય, અને વિઝ્યુઅલ આર્ટના વૈવિધ્યસભર કલાત્મક વિશ્વનો અનુભવ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે પ્રથમવાર “સાહિત્ય” શૈલી રજૂ કરવામાં આવી, જ્યાં 13 કરતા વધુ કલાકારો દ્વારા કાવ્યો અને વાર્તાઓના ચાર સત્રો રજૂ થયા. “પ્રેમ, પાપ અને સ્વ” જેવા વિષયને કેન્દ્રમાં રાખી લાગણીઓ, ઓળખ, અંતર અને સમયના પરિમાણોને સર્જનાત્મક રીતે સ્પર્શવામાં આવ્યા. “વતન, વક્ત ઔર વજુદ” અને “સફર મેં શહેર થા” જેવા સત્રો દ્વારા સ્થળાંતર, યાદો, એકાંત, આધુનિક અસ્તિત્વ અને માનવીય અનુભવોની ઊંડી સમજ પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવી, જ્યારે “રુધિરા સે રૂહ તક” સત્રમાં કવિતાએ બળવો, ઇતિહાસ, સંવેદનાઓ અને માનસિક ઘાવોને શબ્દોમાં જીવંત બનાવ્યા.
સાથે જ અભિવ્યક્તિના ત્રીજા નવા સ્થળ શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસ પર પુણે અને દુબઈના કલાકારો દ્વારા રજૂ થયેલ નૃત્ય પ્રસ્તુતિ “બોલ સખી” એ ભારતનાટ્યમ અને કથકના સંયોજનથી સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખની ઐતિહાસિક મિત્રતાને સુંદર રીતે રજૂ કરી. થિયેટર ક્ષેત્રે અમદવાદના ધ્રુમિત ચૌહાણના નાટક “શેક્સપિયર મહારો જમાઈ” દ્વારા મારવાડી લોકકલા પરંપરા અને વૈશ્વિક સાહિત્ય વચ્ચેના રસપ્રદ સંબંધોને મંચ પર અભિવ્યક્ત કરવામાં આવ્યા.
આ વર્ષે ત્રણેય સ્થળોએ રજૂ થયેલા વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ પણ મુખ્ય આકર્ષણ બન્યાં. ઓડિશાના બેદામતી માઝીનું “Echos of Play” બાળપણની ભાવનાત્મક યાદોને ફરી જીવંત કરતું હતું; આસામના પરાગ દાસનું “Scroll of Taste” ખોરાક, સ્મૃતિ અને ઓળખ વચ્ચેના આંતરિક સંબંધોને ઉજાગર કરતું હતું; ખુશી પટેલનું “The Weight of Gaze” મહિલાઓની આંતરિક શક્તિ અને લડાયક મનોબળને દૃશ્યરૂપે રજૂ કરતું હતું; અને મૈત્રેયી નિમ્બોલકરનું “Where Are We Headed?” ટેક્નોલોજી અને પ્રકૃતિ વચ્ચે સર્જાતા ટકરાવ પર ઊંડો વિચાર કરવા પ્રેરિત કરતું હતું. અભિવ્યક્તિએ આ રીતે કલા, સંસ્કૃતિ અને માનવીય અનુભવોને એક જ પ્લેટફોર્મ પર જોડીને શહેરના કલાત્મક નકશામાં નવા માપદંડો સ્થાપિત કર્યા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel