આણંદ : સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે તા: ૫ નારોજ વિદ્યાનગરમાં ધરણાં અને પ્રદર્શન યોજાયા, કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું,બાંગ્લાદેશ વિરૂદ્ધ નારાબાજી કરાઈ
બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની બહેન, દીકરીઓ પર થતા અમાનવીય અત્યાચાર, ઇસ્કોન સંપ્રદાયના સાધુ સંતોની ખોટી રીતે ધરપકડ કરવી, હિન્દુ સમાજ લોકોની જાહેરમાં હત્યાઓ કરવી, મંદિરો અને મૂર્તિઓ તોડી નાખવી, આવી અસંખ્ય ઘટનાઓ બાંગ્લાદેશ માં રહેતા લઘુમતી સાથે થઈ રહી છે વળી આ વિકટ પરિસ્થતિ સતત વધતી જાય છે જેથી ભારતીય હિન્દુ સમાજમાં પણ હવે રોષ ની લાગણી વહેતી થઈ છે. આ મામલે હવે સમગ્ર દેશમાં ઠેર ઠેર ધરણાં, વિરોધ પ્રદર્શનો અને આંદોલન થઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં ઘણાં સમય થી સત્તા પરિવર્તન બાદ વર્તમાન સ્થિતિમાં ત્યાં કોમી તોફાન અને આતંકી પ્રવૃત્તિઓનું ગતિવિધિ વધી છે. દેશના કટ્ટરવાદી ઇસ્લામિક જૂથો અને આતંકી સમુહોએ ત્યાં લઘુમતી હિન્દુ સમાજ ઉપર અત્યાચાર અને નરસંહારનો કાળોકેર વરસાવ્યો છે. આ અમાનુષી અને માનવતા વિરોધી કૃત્યો બાબતે વૈશ્વિક નાગરિક સમાજનું ધ્યાન દોરવા અને આ અત્યાચારો મામલે દખલગીરી કરી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરાઈ રહી છે આ મામલે આણંદ ઇસ્કોન મંદિર નજીક પણ હિન્દુ સમાજના સાધુ સંતો અને અગ્રણી નાગરિકો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આણંદ હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકવા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંતશ્રી ને ખોટી રીતે જેલ માં ધકેલી દીધા છે .
મહત્વનું છે કે બાંગ્લાદેશ સરકારની આ કાર્યવાહીને હિન્દુ સમાજે અમાનવીય ગણાવી હિન્દુ સમાજના આગેવાનોએ સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજી ને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા. પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા,તેમજ હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માંગણી કરી છે. આણંદમાં થયેલ આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ જીલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપરાંત શૈક્ષણિક મહાસંઘ, સહકાર ભારતી, સાહિત્ય પરિષદ, સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગેવાન કાર્યકરોએ ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.