નવી મુંબઈનું ઉરણ ભારતમાં વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ ટોચ પર આવી ગયું છે. ગયાં વર્ષે તે ચોથાં સ્થાને હતું. ગત ફેબુ્રઆરીમાં તે વિશ્વમાં સાતમા નંબરે હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સની દૃષ્ટિએ ગયા ગુરુવારે ભારતભરમાં ઉરણની હવા સૌથી ઝેરી નોંધાઈ હતી.
ઉરણનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૯૬ નોંધાયો હતો, જે બદતર ગુણવત્તાનો વાયુ પ્રદૂષણમાં ઉરણ પછીના નંબરે બેગુસરાય, ટયુટિકોરિન અને ગુડગાંવ હતું. જ્યારે પૂણે પાંચમાં નંબરે હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના ધોરણો મુજબ ૫૦ સુધીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એકયુઆઈ) સારો ગણાય છે, ૫૦- ૧૦૦ સુધીનો મોડરેટ, ૧૦૧- ૧૫૦ સુધીનો સંવેદનશીલ જુથો માટે નુકસાન કારણ (અનહેલ્ધી) અને ૧૫૦- ૨૦૦ સુધીનો ઈન્ડેક્સ બધા જ લોકો માટે અનહેલ્ધી ગણાય છે. શુક્રવારે સવારે પણ ઉરણનો એકયુઆઈ ૧૫૪થી વધુના અનહેલ્ધી સ્તરે હતો.
ઉરણ અને નવી મુંબઈના બીજા ભાગોમાં બગડતી જતી હવાની ગુણવત્તા વિશે ગંભીર ચિંતા દર્શાવી પર્યાવરણવાદીઓએ સરકારને બાંધકામ અને ક્વોરીના સાઈટસ પર પાણી છાંટવા જેવા વાયુની ક્વોલિટી સુધારવાના પગલાં લેવાની અપીલ કરી હતી. આમ કરવાની ધૂળના કણો હવામાં ભળથા રોકી શકાશે.
નેટ કનેકટ ફાઉન્ડેશન નામની સંસ્થાએ એવો નિર્દેશ કર્યો હતો કે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રચંડ બાંધકામ ચાલી રહ્યું છે. એ ઉપરાંત રોડ અને હાઈવેનું વિસ્તરણ અને વિવિધ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ પણ ચાલી રહ્યા છે.
ઉરણના રહેવાસીઓએ એવી ફરિયાદ કરી હતી કે હવાની નબળી ગુણવત્તાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શ્વસન તંત્રની બિમારીઓ પણ થાય છે. કોવિડ કાળ પછી હવે ફરી અમારે માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે.