મુંબઈની ઇન્ડિયન નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની કામ્યા કાર્તિકેયન તમામ સાત ખંડોમાં સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઇ છે અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
17 વર્ષીય કામ્યા કાર્તિકેયન એક આદર્શ યુવા પર્વતારોહક છે, જેણે વિશ્વના મુખ્ય ખંડોના સર્વોચ્ચ શિખરો સર કરીને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. તે આફ્રિકાના માઉન્ટ કિલીમંજારો, યુરોપના માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયાના માઉન્ટ કોસિઝ્કો, દક્ષિણ અમેરિકાના માઉન્ટ એકોન્કાગુઆ, ઉત્તર અમેરિકાના માઉન્ટ ડેનાલી અને એશિયાના માઉન્ટ એવરેસ્ટ જેવા ખ્યાતનામ શિખરો સર કરી ચુકી છે.
24 ડિસેમ્બરે, કામ્યાએ એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન શિખર પર પહોંચીને પોતાના પર્વતારોહણ કારકિર્દીનું મહત્વપૂર્ણ મીલપથ્ર જોડી દીધું. આ સિદ્ધિ તેણે પોતાના પિતા, કમાન્ડર એસ. કાર્તિકેયનની સાથે મળી ચિલીના સ્થાનિક સમય અનુસાર સાંજે 5:20 વાગ્યે પ્રાપ્ત કરી હતી.
આ સિદ્ધિ પર ભારતીય નૌકાદળે કામ્યા અને તેના પિતાને અભિનંદન પાઠવ્યા છે, જે દર્શાવે છે કે તેમણે કેવી રીતે શૌર્ય અને સંકલ્પથી આ પડકારજનક યાત્રા પૂર્ણ કરી. 17 વર્ષની નાની ઉંમરમાં કામ્યાના આ કારનામા યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.
એન્ટાર્કટિકામાં તેના ચઢાણનું વર્ણન કરતાં, કામ્યાએ માઉન્ટ વિન્સન મેસિફની કઠોર પરિસ્થિતિઓનું વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે – 16,050 ફૂટની બર્ફીલી જમીન, તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું અને આશ્ચર્યજનક તેજ ગતિના પવન છતાં તેણે મક્કમપણે ચઢાણ ચાલુ રાખ્યું હતું. આ મારી દ્રઢતાની અંતિમ કસોટી છે એમ મેં માન્યું હતું. “માઉન્ટ વિન્સન મેસિફ પર ચડવું એ મારા વર્ષોથી જોયેલા સ્વપ્નની સિદ્ધિ છે. સાત ખંડોની મારી યાત્રાની આ સૌથી મોટી સિદ્ધિ છે,” એમ તેણે જણાવ્યું હતું.
ભારતીય નૌકાદળ શાળા અને તમામ ચાહકોએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કામ્યાને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નૌકાદળના પ્રવક્તાએ તેને ઇતિહાસની રચયિતા તરીકે બિરદાવી, જ્યારે નેવી ચિલ્ડ્રન સ્કૂલ મુંબઈએ તેની સિદ્ધિને ખૂબ જ ગૌરવની ક્ષણ ગણાવી હતી.
કામ્યાને એડવેન્ચરનો શોખ બાળપણથી જ શરૂ થયો હતો. કામ્યા કાર્તિકેયન જ્યારે એવરેસ્ટ પર ચઢી ત્યારે સોળ વર્ષની હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે પહેલીવાર ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કર્યું ત્યારે તે સાત વર્ષની હતી. તેની દ્રઢતા અને સમર્પણ તેને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ ગઇ છે. તેને 2021માં વડાપ્રધાન રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મન કી બાત સંબોધનમાં તેની પ્રશંસા કરી હતી.