તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સિટી ધ્વારા લેવાયેલી બી એ તથા એમ.એ.ની જુદીજુદી પરીક્ષાઓના પરિણામો બહાર પડ્યા, અને યુનિ ધ્વારા બધીજ કૉલેજોમાં સૌથી વધુ પરિણામ ધરાવતી કૉલેજનું રેન્ક લીસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટી અંતર્ગત આવતી આર્ટ્સની બધીજ કૉલેજોમાં નડીઆદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજે સૌથી ઉંચુ પરિણામ હાંસલ કરીને ટોપર સ્થાન મેળવ્યું છે.
ઐતિહાસિક રીતે બી.એ.ના ત્રણે ત્રણ વર્ષમાં આ કૉલેજ બધી જ કૉલેજોમાં સૌથી વધુ પરિણામ ધરાવતી બની છે. આ ઉપરાંત અનુસ્નાતક (એમ.એ.)ના પરિણામોમાં પણ કૉલેજે યુનિવર્સીટીની બધીજ કૉલેજો અને યુનિવર્સીટીના પોતાના ડીપાર્ટમેન્ટીમાં પહેલો અને બીજો ક્રમ જાળવીને ઐતિહાસિક પરિણામો મેળવ્યા છે.
સરદાર પટેલ યુનિવર્સીટીએ છેલ્લી પરીક્ષાના પરિણામો જાહેર કર્યા બાદ હવે કૉલેજ વાઈઝ સૌથી વધુ પરિણામ ધરાવતી કૉલેજોના રેન્ક લીસ્ટ જાહેર કર્યા છે. જેમાં બી.એ.ના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ દરમ્યાનની ત્રણેય પરીક્ષાઓમાં નડીઆદના મિલ રોડ ઉપર આવેલી સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજે બી.એ ના પહેલા વર્ષમાં (સેમેસ્ટર-૨) ૮૨.૭૩ ટકા પરિણામ મેળવ્યું છે. એ જ રીતે બીજા વર્ષમાં (સેમેસ્ટર-૪) ૮૭.૧૦ ટકા અને ત્રીજા વર્ષમાં (સેમેસ્ટર-૬) કૉલેજનું કુલ પરિણામ ૯૫.૨૮ ટકા આવ્યું છે.
આમ, સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત ૨૨થી વધુ આર્ટ્સ કૉલેજોમાં નડીઆદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજનું પરિણામ સૌથી ઉજ્જવળ અને પ્રથમ ક્રમે નોંધાયું છે.
આ જ્વલંત સિધ્ધિ કૉલેજની ગામડાની અને દલિત બહેનોએ ઉચ્ચ પરિણામ મેળવીને દાખવી છે. આ રીતે કૉલેજની બહેનોએ મોટી-મોટી કૉલેજો અને વિદ્યાર્થી ભાઈઓને પાછળ પાડીને ભણવાના પરિણામ મેળવવામાં મેદાન માર્યું છે. આ જ્વલંત અને ઐતિહાસિક સિધ્ધિની ઉજવણી કૉલેજ પરિવારે અનોખી રીતે કરી હતી. જેમાં વિદ્યાર્થીની બહેનો તથા કોલેજના સેવક ભાઈઓ જોડે કેક કટીંગ કરાવીને ઉજ્વળ પરિણામની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે તથા કોલેજ પરીવારે ઉજ્જવળ પરીણામ મેળવનાર બહેનોને આનંદ અને ગોરવ સાથે અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)