ગગનયાન મિશન માટે ચાર અવકાશયાત્રીના નામની જાહેરાત કરાઈ છે. આ ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ છે, જેમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજિત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંગુ શુક્લાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશયાત્રી વિંગ્સ આપીને તેમના નામ જાહેર કર્યા હતા. આ ચારેય પાયલટ તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવવાના નિષ્ણાત છે. હાલ બેંગલુરુમાં અવકાશયાત્રી ટ્રેનિંગ ફેસિલિટીમાં તેમની તાલીમ ચાલી રહી છે.
ચારેય અવકાશયાત્રી તમામ પ્રકારના ફાઈટર જેટ્સ ઉડાવવામાં માહેર
આ ચારેય દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ્સ ઉડાવી ચૂક્યા છે. તમામ પ્રકારના ફાઈટર જેટ્સની ખામી અને ખાસિયત તેઓ જાણે છે. એટલા માટે આ ચારેયને ગગનયાન અવકાશયાત્રી ટ્રેનિંગ માટે પસંદ કરાયા છે. તેમની રશિયામાં ટ્રેનિંગ થઈ ચૂકી છે. હાલ બેંગલુરુમાં અવકાશયાત્રી ટ્રેનિંગ ફેસિલિટીમાં ટ્રેનિંગ ચાલી રહી છે.
40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જશે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત ઈસરોના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લીધી છે. અહીં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આપણે સૌ એક ઐતિહાસિક સફરના સાક્ષી બની રહ્યા છીએ. થોડા સમય પહેલા દેશને પહેલીવાર પોતાના ચાર ગગનયાન યાત્રીઓથી પરિચય થયો. આ માત્ર ચાર નામ અને ચાર લોકો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને સ્પેસમાં લઈ જનારી ચાર શક્તિઓ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે. પરંતુ આ વખતે ટાઈમ પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણા છે.
ISRO અને વાયુસેનાએ ટેસ્ટ પાયલોટના નામ કર્યા ફાઈનલ
ગગનયાયન મિશન માટે અનેક પાયલોટ્સનો ટેસ્ટ થયો હતો. ત્યારબાદ તેમાંથી 12ની પસંદગી કરાઈ. આ 12 તો પહેલા લેવલ પર આવ્યા. તેમનું સિલેક્શન ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (IAM)માં કરાયું. ત્યારબાદ કેટલાક રાઉન્ડની સિલેક્શન પ્રોસેસ પૂરી કરાઈ. ત્યારે જઈને ISRO અને વાયુસેનાએ ચાર ટેસ્ટ પાયલોટના નામ ફાઈનલ કર્યા.
Ladies and gentlemen, presenting India's very own astronauts, meet the VYOMNAUTS of ISRO 🇮🇳 #Gaganyaan #ISRO pic.twitter.com/mtq8XnrDlA
— ISRO Spaceflight (@ISROSpaceflight) February 27, 2024
કોવિડ 19ના કારણે અવકાશયાત્રીઓની ટ્રેનિંગમાં લાગ્યો સમય
ત્યારબાદ ઈસરોએ આ ચારેયને 2020ની શરૂઆતમાં રશિયા મોકલ્યા જેથી તેઓ બેસિક અવકાશયાત્રી ટ્રેનિંગ લઈ શકે. કોવિડ 19ના કારણે તેમની ટ્રેનિંગમાં સમય લાગ્યો. તે 2021માં પૂર્ણ થઈ. ત્યારબાદ આ ચારેય સતત ટ્રેનિંગ કરી રહ્યા છે. અનેક પ્રકારની ટ્રેનિંગ થઈ રહી છે.
ચારમાંથી બે અથવા ત્રણ પાયલટની થશે પસંદગી
ઈસરોના હ્યૂમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર (HSFC)માં અનેક પ્રકારના સિમુલેટર્સ લગાવાઈ રહ્યા છે. જેના પર ચારેય પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ સતત ઉડાન પણ કરી રહ્યા છે, અને ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યા છે. આ ચારેય ગગનયાન મિશન પર ઉડાન નહીં ભરે. તેમાંથી બે અથવા ત્રણ ટેસ્ટ પાયલટ ગગનયાન મિશન માટે પસંદ કરાશે.