ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સુરક્ષાબળોએ નક્સલવાદ વિરુદ્ધ ચલાવેલા તાજેતરના સંયુક્ત ઑપરેશનમાં મોટી સફળતા મેળવી છે. સોમવારની વહેલી સવારે થયેલા આ એનકાઉન્ટરમાં ટોચના માઓવાદી સહદેવ સોરેન સહિત ત્રણ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા. સહદેવ સોરેન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટીમાં સભ્ય હતો અને પૂર્વ ભારતના મોસ્ટ વૉન્ટેડ નક્સલીઓમાં તેની ગણના થતી હતી. તેની પર સરકાર તરફથી એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આથી સુરક્ષાબળો માટે તેની હત્યા નક્સલવાદ વિરુદ્ધની લડતમાં એક મોટો ઘા માનવામાં આવી રહ્યો છે.
Hazaribagh, Jharkhand | Jharkhand Police say, "Sahdeo Soren, a Central Committee Member of CPI(Maoist) carrying Rs 1 Crore on his head, and two other Naxals killed in an encounter with a joint team of CoBRA battalion, Giridih and Hazaribagh Police this morning in village Karandi,…
— ANI (@ANI) September 15, 2025
આ ઑપરેશન ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. હજારીબાગ પોલીસ, ગિરિડીહ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની વિશેષ કોબ્રા બટાલિયન (Commando Battalion for Resolute Action)એ સંયુક્ત રીતે આ અભિયાન ચલાવ્યું હતું. એનકાઉન્ટરમાં બે અન્ય માઓવાદી કમાન્ડરો પણ ઠાર કરાયા. તેમની ઓળખ રઘુનાથ હેમ્બ્રામ અને બીરસેન ગંજુ તરીકે થઈ છે. રઘુનાથ બિહાર-ઝારખંડ સ્પેશિયલ એરિયા કમિટીનો સક્રિય સભ્ય હતો અને તેની પર ₹25 લાખનું ઈનામ જાહેર હતું, જ્યારે બીરસેન ગંજુ પર ₹10 લાખનું ઈનામ જાહેર હતું. આથી ત્રણેયના મોત સુરક્ષાબળો માટે મોટી સિદ્ધિ છે, કારણ કે તેઓ લાંબા સમયથી સુરક્ષાબળો માટે માથાનો દુખાવો બન્યા હતા અને અનેક હિંસક ઘટનાઓમાં સામેલ રહ્યા હતા.
સુરક્ષાબળોએ ત્રણેયના મૃતદેહો કબજે કર્યા છે અને સ્થળ પરથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, હથિયાર તથા ગોળાબારૂદ પણ મળ્યા હોવાની માહિતી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઑપરેશન હજી ચાલુ છે અને જંગલ વિસ્તારમાં વધુ નક્સલીઓ છુપાયેલા હોવાની આશંકા છે. આ સફળતા ન માત્ર નક્સલ સંગઠન માટે મોટો આંચકો છે, પણ રાજ્યમાં ચાલી રહેલી કાઉન્ટર-ઇન્સર્જન્સી સ્ટ્રેટેજીને પણ વધુ મજબૂત બનાવે છે. સુરક્ષાબળો માને છે કે આ ઓપરેશન બાદ ઝારખંડ-બિહાર બોર્ડર પર નક્સલવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે અને નક્સલ સંગઠનનું મનોબળ પણ તૂટશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel