ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર નર્મદા અને સરકારી વિનયન કોલેજ સાગબારાના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નેબર યુથ પાર્લામેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને દેશની પાર્લામેન્ટની કામગીરી તથા દેશના સર્વાંગી વિકાસમાં યુવાઓને કેવી રીતે જોડીને વિકસિત ભારતના કાર્યમાં ભાગીદાર બનાવી શકાય તે વિષય ઉપર સંવાદ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સંબોધતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આજની યુવા પેઢી આવતી કાલનું ભવિષ્ય છે. આ યુવા પેઢીના હાથમાં દેશનું ભવિષ્ય રહેલું છે, ત્યારે લોકતંત્રની મજબૂતી માટે યુવાનો જાગૃત બને તે ખૂબ જરૂરી છે. યુવા જાગૃતિ માટે શિક્ષણ મહત્વનું અંગ છે. શિક્ષિત યુવાનો હશે તો લોકતંત્રને પણ એટલી જ મજબૂતાઈથી આગળ ધપાવશે અને દેશને વધુ સમૃદ્ધ અને સુવિધા યુક્ત બનાવી શકાશે. આવા પ્રકારના સેમિનારથી યુવાનો પાર્લામેન્ટના નિયમો – ધારાધોરણો જાણી શકે અને દેશને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ જવામાં પોતાનો ફાળો આપી શકે છે.
વધુમાં સાંસદએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દીકરીઓને દરેક તબક્કે સુવર્ણ તક પૂરી પાડી રહ્યા છે. હવે દીકરીઓ પણ આગળ આવી લોકતંત્રમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે. આદિવાસી વિસ્તારમાંથી પણ દીકરીઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી યુથ પાર્લામેન્ટમાં વધુમાં વધુ સહભાગી બને અને દેશની ઉન્નતીમાં પોતાની ભાગીદારી નોંધાવે તેવી સૌને અપીલ કરી હતી.
આ કાર્યક્રમ વેળા નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સાગબારા તાલુકાના વિવિધ ગામોના યુવક મંડળોને વિવિધ રમતોના સાધનોની કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો તેમજ નાગરિકોએ આગામી તમામ ચૂંટણીઓમાં અચૂક પણે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે સૌએ પ્રતિજ્ઞા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ મનજીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી હિતેશભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, સ્થાનિક અગ્રણી ચંદ્રકાંતભાઈ લુહાર, નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સચિન શર્મા, નેહરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરશ્રી ચંદ્રકાંતભાઈ બક્ષી, સાગબારા વિનયન કોલેજના આચાર્ય ચેતનભાઇ ચૌધરી, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નેહરુ યુવા કેન્દ્રના વોલન્ટિયર, તેમજ કોલેજના 300 કરતાં વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.