કેન્દ્ર સરકારે દિવાળી પૂર્વે કેન્સરના દર્દીઓને રાહત આપતાં દવાઓના ભાવ ઘટાડવા આદેશ આપ્યો છે. બ્રેસ્ટ કેન્સર અને લંગ્સ કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ હવે સસ્તી થશે.
સરકારે ફાર્મા કંપનીઓને કેન્સરની દવાઓ પર દૂર કરવામાં આવેલી કસ્ટમ ડ્યૂટી અને જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા આદેશ આપ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડી બ્રેસ્ટ કેન્સર અને લંગ્સ કેન્સરની સારવાર માટે વપરાતી ત્રણ મુખ્ય એન્ટી બાયોટિક ટ્રાસ્ટુઝુમાબ, ઓસિમેર્ટિનિબ અને ડુર્વાલુમબ (Trastuzumab, Osimertinib અને Durvalumab)ના ભાવ ઘટાડવા નિર્દેશ કર્યો છે.
કેન્દ્ર સરકારે 2024-25માં જ કેન્સરની આ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્ત કરી હતી. નાણા મંત્રાલયે 23 જુલાઈના નોટિફિકેશન જાહેર કરી ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડી ઝીરો કરી હોવાની જાહેરાત કરી હતી. જેનો સીધો લાભ દવાની MRP માં ઘટાડો કરી ગ્રાહકો સુધી પહોંચાડવો જરૂરી છે.
10 ઓક્ટોબરથી લાગુ થઈ નવી કિંમતો
સરકારે આ દવાઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો હતો. જેથી ફાર્મા કંપનીઓએ 10 ઓક્ટોબરથી જ કેન્સરની આ દવાઓના ભાવ ઘટાડી નવા ભાવ લાગુ કરવા કહ્યું હતું. ઉત્પાદકોને એમઆરપી ઘટાડી ડીલર્સ, સ્ટેટ મેડિસિન કંટ્રોલર્સ અને સરકારને ભાવમાં ફેરફાર અંગે જાણકારી આપવા પણ નિર્દેશ કર્યો હતો.
લાન્સેટના રિપોર્ટ અનુસાર, ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા 14 લાખથી વધુ થઈ છે. જેમાં દરવર્ષે વધારો થઈ રહ્યો છે. 2020માં કેન્સરના 13.9 લાખ, 2021માં 14.2 લાખ અને 2022માં 14.6 લાખ કેસો નોંધાયા હતા.