ટ્રમ્પ સરકારના તાજેતરના નિર્ણય બાદ અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકાએ તમામ વિદેશી વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેના લીધે અમેરિકા ભણવા જવાનો પ્લાન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીની પણ મુશ્કેલીઓ વધી ગઈ હતી. જો કે હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે ભાવિ વિદ્યાર્થીઓને વિઝા માટે એપોઇન્ટમેન્ટ લેવા માટે આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારનો આ નિર્ણય કામચલાઉ છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિઝા પ્રક્રિયામાં વધુ સમય અથવા ઘણા અઠવાડિયા અને મહિનાઓ પણ લાગી શકે છે.
ટેમી બ્રુસે વિદ્યાર્થીઓને આપી મોટી રાહત
શું છે કારણ?
ટ્રમ્પ સરકારના આ નિર્ણય પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા એક્ટીવીટી પર નજર રાખવાનું છે જેથી તેમની પ્રોફાઇલ વિશે જાણી શકાય. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મંગળવારે દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી તમામ અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટિંગની તપાસ અંગે નવી માર્ગદર્શિકા જારી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી વિઝા માટે એપોઇન્ટમેન્ટ બંધ કરવામાં આવે. આ પછી, ઘણા ચીની વિદ્યાર્થીઓના વિઝા પણ રદ કરવામાં આવ્યા છે.
ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ
અમેરિકન વિદેશ મંત્રી રુબિયોએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે, જેઓ ચીન સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત, જેમણે ગાઝામાં ઇઝરાયલી હુમલાની ટીકા કરનારા પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું હતું, તેમના વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, આ બધી અમેરિકન વિદેશ નીતિના હિતોની વિરુદ્ધ કરવામાં આવેલા કામોમાંથી એક છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.