દેશમાં ભગવાન ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિર પાછળ કોઈ રોચક ઈતિહાસ જોડાયેલો હોય છે અથવા તે મંદિરમાં કંઈક વિશેષતા હોય છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દમણગંગા કિનારે મહાદેવજીનું મંદિર આવેલુ છે આ શિવાલયની એક વિશેષતા છે કે તે ઓમ આકારનું છે. મહાદેવજીના આ મંદિરમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને અનેક સંતોની પણ પ્રતિમા રાખવામાં આવી છે. દેશમાં સૌથી વધારે મંદિર ભગવાન ભોળે શંકરના આવેલા છે. રાજયના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કુડાચા ગામમાં આવેલું શિવમંદિર તેના ઓમ આકાર માટે જાણીતું છે. દમણ ગંગા નદી કિનારે જંગલ વિસ્તારમાં બનેલું આ મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. બે દાયકા પહેલાં દમણગંગા નદી કિનારે આ અનોખા વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અને સતત 20 વર્ષ સુધી મંદિરનું નિર્માણ કાર્ય ચાલ્યું હતું. એક મહિલા અગ્રણીએ આ મંદિર માટે જમીન દાનમાં આપી ત્યારબાદ અહીં વિશેષ ઓમ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે. 35000 ચોરસ મીટરમાં પથરાયેલા આ મંદિરની એક વિશેષતા એ છે કે તેમાં એક પણ ટુકડો લોખંડનો વાપરવામાં આવ્યો નથી.
દાદરાનગર હવેલીના કુંડાચામાં ઓમ આકારનું શિવમંદિર
જ્યાં બિરાજે છે 140થી વધારે દેવીદેવતા
મહાદેવજીના આ મંદિરમાં અનેક દેવી દેવતાઓ, નવગ્રહ, બાર જ્યોતિર્લિંગ, જાણીતા સંતો મહંતો અને શંકરાચાર્યના દર્શન કરીને અહીં આવતા ભક્તો ભાવવિભોર થાય છે. મંદિરમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની પણ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એટલે તમામ સંપ્રદાયના લોકો અને દેશના તમામ રાજ્યોમાં વસતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એક જ છત નીચે અનેક દેવી દેવતાઓ બિરાજમાન હોવાથી સાચા અર્થમાં આ મંદિર સનાતનના પ્રચારનું પ્રતીક મનાય છે. આજની નવી પેઢી અહીં આવીને ખૂબ જ અચરજ પામે છે. બે ત્રણ ભગવાનના નામ જાણતા આજના યુવકો અને યુવતીઓ 140 થી વધારે દેવી-દેવતાઓના નામ અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ, વલસાડ અને પાડોશી મહારાષ્ટ્રના શિવભક્તો આ મંદિરની અચૂક મુલાકાત લે છે. અહીં આવતા ભાવિક ભક્તો ભગવાન શંકરને બીલીપત્ર, દૂધ, દહીં, મધ, શેરડીનો રસ, તલ અને પુષ્પ ધરાવીને રીઝવે કરે છે. અને ભગવાન ભોળાનાથ અહીં આવતા તમામ ભાવિકોને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે.
ઓમ આકારનું મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
આમ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ વિશાળ ઓમ આકારનું મંદિર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અને દિવસે દિવસે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. આથી ભક્તોના ઘસારો પણ વધી રહ્યો છે અને આ મંદિર હંમેશા ભક્તોથી ઉભરાતું રહે છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીં તમામ હિન્દુ ધર્મના તહેવારો ભારે ધૂમધામથી ઉજવાય છે જોકે શિવરાત્રી અને શ્રાવણમાં ભગવાન ભોલેના ઉપાસકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર દેશમાં એકમાત્ર આટલું વિશાળ પરિસરમાં આકાર પામેલ ઓમ આકારનું શિવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. દાદરા નગર હવેલીમાં દેશના તમામ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવીને વસ્યા છે. તમામ રાજ્યોના મોટા દેવી દેવતાઓ અને કુળદેવીઓની આ મંદિરમાં સ્થાપના કરવામાં આવેલી છે. તમામ સંપ્રદાય અને રાજ્યના લોકો અહીં દર્શને ઉમટે છે. ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં ભોળેબાબાના આ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું કીડીયારુ ઉભરાય છે. દમણ ગંગા નદી કિનારે રમણીય સ્થળ પર આવેલા મહાદેવજીના મંદિરે ધીરે ધીરે શિવભક્તોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે.