ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને સૌથી વધુ ચિંતિત રહેતા હોય છે. તેથી હવે આ તણાવને ઓછો કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી જાહેરાત કરી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સત્ર 2025-26થી, વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. વધુમાં પ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ શૈક્ષણિક તણાવ ઘટાડવા અને 2020 માં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં આપવામાં આવેલા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાનો છે.
દેશને વિકસિત દેશ બનાવવાની ફોર્મ્યુલા
રાયપુરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન, શિક્ષણ મંત્રી પ્રધાને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, નવા પરીક્ષા ફોર્મેટ પ્રત્યેના તેમના સ્વાગતનું મૂલ્યાંકન કર્યું.
શિક્ષણ મંત્રીએ કહ્યું, “NEP દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાનું, તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું, વિદ્યાર્થીઓને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવા અને ભવિષ્ય માટે તૈયાર કરવાનું છે. તે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું એક સૂત્ર છે.”
શાળાઓ પાછળ 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે
છત્તીસગઢમાં પ્રધાને જણાવ્યું હતું કે, યોજનાના પ્રથમ તબક્કા હેઠળ, રાજ્યની 211 શાળાઓને 2 કરોડ ખર્ચીને ‘હબ એન્ડ સ્પોક’ મોડલ પર અપગ્રેડ કરવામાં આવશે.