પ્લેનની જેમ હવે માલગાડીના એન્જિનો એટલે કે લોકોમાં પણ વોશરૂમ અને રેસ્ટરૂમની સુવિધા પૂરી પાડે તેવી અપેક્ષા છે. આ માટે ટ્રેન એન્જીન બનાવતી ફ્રેન્ચ કંપની અલ્સ્ટોમે બિહારના મધેપુરામાં એક લોકો (એન્જિન) તૈયાર કર્યો છે, જેમાં લોકો-પાયલટ માટે વોશરૂમ અને રેસ્ટરૂમ માટે જગ્યા આપવામાં આવી છે. જોકે, આ સુવિધા ત્યારે જ શરૂ થશે જ્યારે રેલવે બોર્ડ તેના માટે લીલી ઝંડી આપશે.
અલ્સ્ટોમ કરશે ભારત માટે 800 એન્જિનનું નિર્માણ
હાલમાં, અલ્સ્ટોમ ભારતીય રેલ્વે માટે માલગાડી માટે 800 એન્જિનના ઉત્પાદનમાં વ્યસ્ત છે. આમાંથી 350થી વધુ એન્જિન બનાવવામાં આવ્યા છે. અલ્સ્ટોમ એ જ કંપની છે જેણે સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે ચાલતી દેશની પ્રથમ રેપિડ રેલ ‘નમો ભારત’નું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત આ વિદેશી કંપની દેશના વિવિધ શહેરોની મેટ્રો ટ્રેન બનાવવામાં પણ સહયોગ આપી રહી છે.
લોકો-પાયલટને મળશે મોટી રાહત
લોકો-પાયલટના આ કાફલામાં જયારે મહિલાઓ પણ સામેલ થઇ છે ત્યારે આ પ્રકારના એન્જિનથી ઘણી રાહત જોવા મળશે. હાલ દેશની એકપણ માલગાડીના એન્જિનમાં આ પ્રકારની કોઈ સુવિધા નથી. અલ્સ્ટોમ ઇન્ડિયા (રોલિંગ સ્ટોક એન્ડ કોમ્પોનન્ટ)ના MD અનિલ સૈનીએ જણાવ્યું કે તેમની કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બિહારના મધેપુરામાં અને મેઈન્ટેનન્સ ડેપો સહારનપુર અને નાગપુરમાં છે. આ ડેપો દુનિયાના સૌથી આધુનિક અને એડવાન્સ સુવિધાઓથી સજ્જ છે.
ટેગિંગથી સજ્જ, એન્જિન કમાન્ડ કંટ્રોલ રૂમ સાથે અટેચ
કંપનીએ જે માલગાડીઓના એન્જિન તૈયાર કર્યા છે તે જિયો ટેગિંગથી સજ્જ અને કમાન્ડ કંટ્રોલરૂમ સાથે ઓનલાઈન અટેચ છે. જેના કારણે રીયલ ટાઇમ લોકેશનની સાથે એન્જિન શું ખરાબી છે તે પણ જાણી શકાય છે. પહેલાથી જ એન્જિનની ખરાબી વિષે જાણ થતા તેને ડેપો લાવી શકાય છે. નાની ખરાબીને 30 મીનીટમાં દુર કરી શકાય છે. આવનાર સમયમાં ફ્રેટ લોકોને એક્સિડન્ટથી બચાવવા માટે કવચ સિસ્ટમ લગાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે.