અયોધ્યામાં રામનવમી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે સૂર્યની કિરણો લગભગ પાંચ મિનિટ સુધી રામલલ્લાના મસ્તક પર અભિષેક કરશે. આ દિવસે શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તેના માટે અનેકવિધ તૈયારી કરવામાં આવી રહી છે. ભક્તો આ દિવસે રામલલ્લાના રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકશે. જો કે સુરક્ષા માટે મોબાઈલ જેવી વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.
ટ્રસ્ટ દ્વારા પૂરતી સુવિધાની તૈયારી
શ્રી રામ મંદિર નિર્માણ સમીતિના અધ્યક્ષે જણાવ્યું કે રામનવમીને કારણે ભક્તોમાં આકર્ષણ પણ છે. ભગવાનના મસ્તક પર રામનવમીના દિવસે સૂર્ય કિરણો બપોરે 12.16 કલાકથી પાંચ મિનિટ માટે અભિષેક કરશે અને શ્રદ્ધાળુ તેના દર્શન સરળતાથી કરી શકે તેવી ટેકનીકલ જોગવાઈ કરવામાં આવી રહી છે. પાંચ મિનિટનો દિવ્ય નઝારો જોવા ભારે ભીડ થવાની સંભાવના છે.
જો કે આ દિવસે ભક્તોને મંદિર પરિસરમાં તેમના મોબાઈલ, પગરખા, મોટી બેગ જેવી વસ્તુ લઈ જવાની મંજૂરી નહિ મળે. આથી દર્શનાર્થીઓએ આવી પ્રતિબંધિત વસ્તુઓ મંદિરથી દૂર સુરક્ષિત સ્થાને રાખીને જવું પડશે.
શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા
ભક્તોને સુગમતાથી દર્શન થઈ શકે તેના માટે ચાર દિવસ વીઆઈપી દર્શન પાસ, મંગલા આરતી પાસ, શ્રુંગાર આરતી પાસ તેમજ શયન આરતી પાસની પદ્ધતિ બંધ રાખવામાં આવી છે. સુગ્રીવ કિલ્લાની નીચે, બિડલા ધર્મશાળાની સામે શ્રી રામજન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવાયા છે જેમાં તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ દિવસે રામ મંદિરમાં થનાર તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ લગભગ સો જેટલા એલઈડી સ્ક્રીન પર દેખાડવામાં આવશે.