પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેયુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે. પેશાવર ઍરબેઝથી સોર્ટી કર પાકિસ્તાન ઍરફોર્સના જેએફ-17 ફાઈટર જેટના સ્ક્વૉડ્રને સોમવારે સવારે અફઘાનિસ્તાનના બે જિલ્લા પકતિકા અને ખોસ્તમાં 7 ઠેકાણે ઍર સ્ટ્રાઈક કરી હતી. ચીની બનાવટના જેએફ-17 ફાઇટર જેટથી કરાયેલા મિસાઇલ હુમલામાં તાલિબાન કમાન્ડર શેરા સહિત 8 આતંકવાદી માર્યા ગયાનો પાકિસ્તાને દાવો કર્યો છે. બીજી તરફ બાળકો અને મહિલાઓ સહિત અફઘાન નાગરિકોનાં મૃત્યુ થયાનું અફઘાન સરકારનું કહેવું છે. ઍર સ્ટાઇક પછી અફઘાન સેનાએ ખુર્રમ એજન્સી સહિત ઉત્તર અને દક્ષિણી વજીરિસ્તાન સરહદે 3 પાકિસ્તાની આર્મી ચેક પોસ્ટ પર મોર્ટાર હુમલા કર્યા હતા.
ઍરફોર્સ ચીફને એક્સટેન્શન, આર્મી ચીફ મુનીરની તાલિબાન સામે કડકાઈ
વડાપ્રધાન શાહબાઝ શરીફે ઍર સ્ટ્રાઇક પહેલાં રવિવારે ઍરફોર્સ ચીફ ઝહીર અહમદ સિદ્ધુને એક વર્ષનું સર્વિસ એક્સટેન્શન આપ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે અફ્ઘાન સેનાઓ પર ઍર સ્ટ્રાઇક વધુ અસરકારક રહેવાનું શાહબાઝનું આયોજન છે. સિદ્ધુ આ હુમલાને યોગ્ય ન્યાય આપી શકે તેમ છે. દરમિયાન આર્મી ચીફ આસિમ મુનીરે પણ તાલિબાન સરકાર પ્રત્યે કડકાઈભરી નીતિ અપનાવી છે. મુનીર નીતિ હેઠળ જ અફધાનિસ્તાન સરહદે પાકિસ્તાની સેના ખડકી દેવાઈ છે.
પાકિસ્તાન પોતાની નિષ્ફળતા અમારા પર ન ઢોળે, પરિણામ ભોગવશેઃ તાલિબાન
પાકિસ્તાન પોતાના દેશમાં હિંસા અટકાવવામાં પોતાની નિષ્ફળતા અમારા માથે નાખવાનું બંધ કરે. પ્રવક્તા જબીહુલ્લાએ સ્પષ્ટપણે ચેતવણી આપતાં કહ્યું હતું કે પાક. ઍર સ્ટ્રાઇક જેવું દુઃસાહસ ટાળે, પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાત ફૈઝાનનું કહેવું છે કે અફ્ઘાનિસ્તાનની તાલિબાન સરકાર ગેરિલા યુદ્ધ છેડશે તો પાકિસ્તાન માટે સ્થિતિ સાચવવાનું અતિશય કપરું થઈ પડશે.