લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના નિવેદનની ટીકા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ’26 વર્ષ પહેલા આ દિવસે અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. એક એવો દિવસ હતો જ્યારે ભારતે તેની ક્ષમતાઓનો વિશ્વ સમક્ષ પરિચય કરાવ્યો હતો અને બીજો કોંગ્રેસની વિચારસરણી જે વારંવાર લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર
ઓડિશાના કંધમાલમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તેઓ (કોંગ્રેસ) કહે છે કે સાવધાન રહો, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. કોંગ્રેસનું હંમેશા આ જ વલણ રહ્યું છે. પાકિસ્તાનની હાલત એવી છે કે, તેમણે પરમાણુ બોમ્બ વેચવા કાઢ્યા છે, પરંતુ નબળી ગુણવત્તાના કારણે કોઈ તેેને ખરીદવા તૈયાર નથી.’
આતંકવાદ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના આ નબળા વલણને કારણે જમ્મુ-કાશ્મીરના લોકો 60 વર્ષથી આતંક સહન કરી રહ્યા છે. દેશે એટલા બધા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે કે તે ભૂલી શકે તેમ નથી. મુંબઈમાં 26/11ના ભયાનક આતંકી હુમલા બાદ આતંકવાદના આશ્રયદાતાઓ સામે કાર્યવાહી કરવાની હિંમત તેમનામાં ન હતી.’
કોંગ્રેસ 50થી ઓછી બેઠક પર આવી જશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસને સંસદમાં વિપક્ષ બનવા માટે લોકસભાની કુલ સંખ્યાના 10%ની જરૂર છે. કોંગ્રેસના લોકોએ ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ કે તેમની પાર્ટી આ દેશમાં માન્ય વિપક્ષ પણ બની શકશે નહીં. તેઓ 50થી ઓછી બેઠકો પર આવી જશે.
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરનો બફાટ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.’