દિલ્હીની વિવાદાસ્પદ લિકર પોલિસી હોય કે સ્વાતિ માલીવાલનો કેસ હોય, આમ આદમી પાર્ટી (આપ)ની મુસીબતો અટકવાનું નામ લઈ રહી નથી. પક્ષના વિદેશી ફંડિંગને લઈને ઇડીએ હવે મોટો પર્દાફાશ કર્યો છે. ઇડીએ જણાવ્યું છે કે આપને ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન ૭.૦૨ કરોડ રુપિયાનું વિદેશી ભંડોળ મળ્યું હતું. ઇડીએ વિદેશી ફંડિંગના તપાસનો આખો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે. ઇડીએ આપ પર એફસીઆરએ, આરપીએ અને આઇપીસીના નિયમોના ભંગનો આરોપ લગાવ્યો છે.
અહીં મહત્ત્વની વાત એ છે કે તપાસ અહેવાલમાં આમ આદમી પાર્ટી (આપ)ને વિદેશી ફંડિંગ આપનારાની ઓળખ અને રાષ્ટ્રીયતાની સાથે અન્ય બધા દસ્તાવેજ જોડવામાં આવ્યા છે, જે પક્ષ માટે નવી મુશ્કેલીઓનો સંકેત આપે છે.
ઇડીએ આપના વિદેશી ફંડિંગની તપાસ કરતાં જણાવ્યું હતું કે પક્ષને યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને બીજા કેટલાય દેશોમાંથી દાન મળ્યું છે.
ફંડ ટ્રાન્સફર કરવા માટે લોકોએ એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન ઇડીએ પોતાની તપાસમાં આપ અને તેના નેતાઓ દ્વારા વિદેશી ભંડોળ મેળવવામાં ઘણી ગેરરીતિ કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમા પક્ષના વિધાનસભ્ય દુર્ગેશ પાઠક અને અન્ય નેતાઓ પર ૨૦૧૬માં કેનેડામાં ફંડ રેઇઝિંગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા રુપિયાનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કરવાનો પણ આરોપ છે.
આપે તેના ખાતાઓમાં દાન આપનારાઓની વિગત છૂપાવવામાં આવી છે. તેનું કારણ એ છે કે એફસીઆરએ હેઠળ વિદેશી નાગરિકો પાસેથી દાન લઈ શકાતું નથી. બીજા અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે નામ, દાન કરનારાઓના દેશ, પાસપોર્ટ નંબર, દાન કરેલી રકમ, પેમેન્ટનું માધ્યમ, મેળવનારનું બેન્ક ખાતા નંબર, બિલિંગ નામ, બિલિંગ એડ્રેસ, ટેલિફોન નંબર, બિલિંગ ઇ-મેઇલ, સમય અને તારીખ, કયા ગેટવેનો ઉપયોગ કરવામાં આવ્યો જેવી જાણકારી શેર કરી છે તેને પીએમએલએ હેઠળ સામે લાવવી જોઈએ.
આ અંગે આપની પ્રવક્તા અને દિલ્હી સરકારની મંત્રી આતિશીએ જણાવ્યું હતું કે લિકર સ્કેમ અને સ્વાતિ માલીવાલ પ્રકરણ પછી ભાજપ અમારી સામે વધુ એક આરોપનામું લઈ આવ્યું છે. થોડા દિવસો પછી તે વધુ એક મામલો સામે લાવશે. વાસ્તવમાં ભાજપ પંજાબ અને દિલ્હીમાં બધી ૨૦ સીટ હારી રહ્યું છે. મોદી સરકારથી લોકો બહુ નારાજ છે. ભાજપ હતાશામાં પગલાં ભરી રહ્યુ છે. આ ઇડીની કાર્યવાહી નથી, ભાજપની કાર્યવાહી છે. આ કેસો ઘણા જૂના છે અને સંલગ્ન પ્લેટફોર્મ પર તેના જવાબ આપી દેવાયા છે. હજી પણ ભાજપ અમારી સામે આવા કોઈને કોઈ આરોપો લઈ આવશે તેનો અમને વિશ્વાસ છે.