કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશની જિલ્લા હોસ્પિટલોમાં કૅન્સર ડે-કેર સેન્ટર સ્થાપવા માટે એક વ્યાપક બ્લૂપ્રિન્ટ તૈયાર કર્યો છે, જે કીમોથેરાપી, સલાહ-સૂચન અને દવાઓ જેવી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પહેલનો મુખ્ય હેતુ કૅન્સર દર્દીઓને તેમના નિવાસસ્થાનની નજીક જ સારવાર ઉપલબ્ધ કરાવવો છે, જેથી તેઓ વિશિષ્ટ હોસ્પિટલોમાં જવાની મુશ્કેલી અને ખર્ચ ઓછો કરી શકે.
આ યોજનાથી કેટલાંક મહત્વપૂર્ણ ફાયદા અપેક્ષિત છે:
કેમોથેરાપી સારવાર: દર્દીઓને નજીકમાં જ સારવાર મળે, જેથી લાંબી યાત્રાથી બચી શકાય.
સલાહ-સૂચન સુવિધા: નિષ્ણાત ડોક્ટરો દ્વારા પરામર્શ ઉપલબ્ધ થશે.
દવાઓ અને પ્રાથમિક સારવાર: જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય દવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવાશે.
મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો: જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે.
સરકારના આ પ્રોજેક્ટથી આગામી વર્ષોમાં ભારતના મેડિકલ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે, ખાસ કરીને ગ્રામ્ય અને નાના શહેરોમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ માટે.
કેન્દ્ર ક્યારે બનશે?
આ કૅન્સર સેન્ટરોમાં કીમોથેરાપી અને સલાહ સેવાઓ ઉપલબ્ધ થશે. એક કેન્દ્રમાં 4 થી 6 પથારી, ઓન્કોલોજીસ્ટ અથવા મેડિકલ ઓફિસર, બે નર્સ, એક ફાર્માસિસ્ટ, એક સલાહકાર અને એક બહુહેતુક કાર્યકરની વ્યવસ્થા હશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં આ યોજનાની જાહેરાત કરી હતી.
આગામી ત્રણ વર્ષમાં તમામ કેન્દ્રો ઊભા કરાશે, જેમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 200 સેન્ટર શરૂ કરવામાં આવશે. બાકીના કેન્દ્રો નક્કી કરેલા સમયમર્યાદા મુજબ બનાવવામાં આવશે. આરોગ્ય મંત્રાલય મુજબ, કૅન્સરની સારવાર દર્દીઓ માટે ઘર નજીક સરળતાથી ઉપલબ્ધ બનશે.
અલગથી ભરતીની ભલામણ
સંસદીય પેનલે અલગથી નવી ભરતી કરવાની ભલામણ કરી છે. પેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેન્દ્રોના સુચારૂ સંચાલન માટે જિલ્લાની હોસ્પિટલોમાંથી ડૉક્ટરો અને નર્સોને ખસેડવાને બદલે, નવી ભરતી કરવી જોઈએ. કારણ કે, પહેલેથી જ જિલ્લાની હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત છે.
કૅન્સરના કેસો વધી રહ્યાં છે
ગ્લોબલ કૅન્સર ઑબ્ઝર્વેટરીના આંકડાઓ અનુસાર, ભારતમાં દર વર્ષે 14 લાખથી વધુ કૅન્સરના નવા કેસો નોંધાય છે, જેમાંથી 9 લાખ લોકોના મરણ થાય છે. પુરુષોમાં સૌથી વધુ 15.6% હોંઠ અને મોં તથા 15.6% ફેફસાંના કૅન્સર જોવા મળે છે. જ્યારે, મહિલાઓમાં સૌથી વધુ 26.6% બ્રેસ્ટ કૅન્સરના કેસ નોંધાય છે.