Paytm સામે એક પછી એક પડકારો સતત આવવાથી તેની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBI દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવા બંધ કરવાની જાહેરાત બાદ હવે વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ બેંકના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંકની આ જાહેરાત બાદ કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. પેટીએમ બ્રાન્ડ One97 Communications Ltd ની માલિકીની છે.
પેટીએમની શરૂઆત કરનાર વિજય શેખર શર્માને હવે પેટીએમ પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વિજય શેખર શર્મા પેટીએમમાં સૌથી વધુ શેરધારકો ધરાવતા વ્યક્તિ છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકે બોર્ડની પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. બોર્ડમાં કેટલાક નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધરનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિજયશેરખર શર્મા સૌથી મોટા શેરધારક છે
કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે વિજય શેખર શર્માએ સોમવારે Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. આરબીઆઈના નિર્દેશો અનુસાર, જો Paytm UPI સેવા Paytm પેમેન્ટ બેંક સાથે લિંક છે, તો તમે 15 માર્ચ પછી તેનો ઉપયોગ કરી શકશો નહીં.
RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક માટે આ નિર્દેશો આપ્યા
15 માર્ચથી પેટીએમ પેમેન્ટ બેંકનો ઉપયોગ બંધ થયા પછી, ગ્રાહકો અને વેપારીઓએ તેમના પેટીએમ યુપીઆઈને કોઈ અન્ય બેંક સાથે લિંક કરવું પડશે. સૂત્રોનું કહેવું છે કે Paytmની પેરેન્ટ કંપની One97 Communication Limited આ માટે 4-5 બેંકોના સંપર્કમાં છે. RBI એ NPCI ને Paytm ની UPI સેવા જાળવવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.