મહિલાઓને 33 ટકા અનામતનો કાયદો પસાર થઈ ચૂક્યો છે પરંતુ હવે તેના અમલીકરણને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર 2029ની લોકસભા ચૂંટણીમાં આ કાયદોનો અમલ કરશે અને તેમને 33 ટકા બેઠકો અનામત રાખશે.
2029ની ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત
મોદી સરકારે સંકેત આપ્યો છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાની યોજના 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં લાગુ કરવામાં આવશે. જો કે, આ ઐતિહાસિક નિર્ણયનો માર્ગ સંપૂર્ણપણે સીમાંકનના પરિણામો અને આગામી વસ્તી ગણતરી પર નિર્ભર રહેશે.
સમયસર લાગુ પડાશે નારી શક્તિ વંદન અધિનિયમ
સરકાર ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને સમયસર લાગુ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે. નારી શક્તિ વંદન કાયદો’ સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલ બંધારણ (128મો સુધારો) બિલ હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં કુલ બેઠકોના એક તૃતીયાંશ (33%) મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. પરંતુ આ અનામત લાગુ કરવા માટે એક શરત મૂકવામાં આવી છે – તે ત્યારે જ લાગુ થશે જ્યારે આગામી વસ્તી ગણતરી પછી સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે.
1 માર્ચ, 2027 સુધીમાં વસતી ગણતરીનો રિપોર્ટ
સરકારે જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરી પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે અને તેનો અહેવાલ 1 માર્ચ, 2027 સુધીમાં ઉપલબ્ધ થશે. આ વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમો (મોબાઇલ એપ્લિકેશન્સ અને કેન્દ્રિયકૃત પોર્ટલ) દ્વારા કરવામાં આવશે જેથી ડેટા ઝડપથી ઉપલબ્ધ થાય. આ વસ્તી ગણતરીમાં જાતિનો ડેટા પણ એકત્રિત કરવામાં આવશે – સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે. વસ્તી ગણતરી પછી, સંસદે સીમાંકન કાયદો પસાર કરવો પડશે, જેના આધારે સીમાંકન પંચની રચના કરવામાં આવશે. આ પંચ લોકસભા અને વિધાનસભા બેઠકોનું પુનઃનિર્ધારણ અને સીમાંકન કરવાનું કામ કરશે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે બે થી ત્રણ વર્ષનો સમય લાગે છે.