બ્રિટને ગુરુવારે ફેમિલી વિઝા પર પરિવાર અથવા સંબંધીઓને દેશમાં લાવવા ઈચ્છતા નાગરિકો માટે જરૂરી લઘુતમ આવકમાં વધારો કર્યો છે. સરકારના નિર્ણયથી ભારતીયોને પણ ફાયદો થશે. સરકારે પગારમાં 55 ટકાનો વધારો કર્યો છે, એટલે કે જો કોઈ વ્યક્તિને ફેમિલી વિઝા પર યુકે લાવવાની તૈયારી કરી રહ્યું છે, તો તેના માટે લઘુત્તમ વાર્ષિક પગાર £18,600 (રૂ. 19.40 લાખ)થી વધારીને £29,000 (રૂ. 30.25 લાખ) કરવામાં આવ્યો છે. જો કે અધિકારીઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષની શરૂઆતમાં મર્યાદા વધારીને £38,700 કરવામાં આવશે. જો કે આ પગલું કાયદાકીય સ્થળાંતર ઘટાડવા માટે લેવામાં આવ્યું છે.
સરકાર માઈગ્રેશનની સંખ્યા ઘટાડવા કરી રહી છે પ્રયાસો
બ્રિટિશ સરકાર માઈગ્રેશનની સંખ્યા ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. આ કારણોસર, સરકારે આ વર્ષની શરૂઆતથી વિઝા નિયમોને પણ કડક બનાવ્યા છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય વડાપ્રધાન ઋષિ સુનક અને ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલી દ્વારા કાયદાકીય સ્થળાંતર ઘટાડવા અને અહીં આવતા લોકોના કારણે કરદાતાઓ પર જે ટેક્સનો બોજો પડે છે તે દૂર કરવા માટે લેવામાં આવ્યો છે.
ઋષિ સુનકે જણાવ્યું હતું કે જ્યારે ડિસેમ્બર 2023માં હાઉસ ઓફ કોમન્સમાં આ નવો નિયમ પહેલીવાર રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે વિપક્ષ દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી. તેથી સરકારે અગાઉની જેમ £38,700 ના તાત્કાલિક વધારાને બદલે પગાર મર્યાદામાં વધારો કરવાનું પસંદ કર્યું. આથી બે તબક્કામાં પગારની મર્યાદામાં વધારો કરવામાં આવશે.
ઉચ્ચ પગાર મર્યાદા નક્કી કરવા પાછળ કારણ શું?
સ્કીલ્ડ વર્કર વિઝા પર આવતા લોકો માટે જરૂરી લઘુત્તમ વેતન વધારીને £38,700 કરવું એ સરકારની પ્રાથમિકતાઓમાંની એક હતી. વધુમાં તેનો ઉદ્દેશ્ય સ્થળાંતર કરનારાઓને યુકેના કામદારો કરતાં ઓછો પગાર મળતો અટકાવવાનો છે.