અમદાવાદમાં યોજાયેલા ‘પ્લાસ્ટઇન્ડિયા–2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ અવસરે તેમણે 80 હજાર સ્ક્વેર મીટર વિસ્તાર પર દુનિયાનું સૌથી મોટું પ્લાસ્ટિક એક્ઝિબિશન આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને દેશભરના પ્લાસ્ટિક ઉદ્યોગકારોનું સ્વાગત કર્યું હતું.
સંઘવીએ જણાવ્યું હતું કે કોઈપણ વેપારી રોકાણ કરતા પહેલા સુરક્ષા અને વળતરને મહત્વ આપે છે અને ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ, મજબૂત કાયદો-વ્યવસ્થા અને ઉત્તમ વળતર મળે છે, તેથી પ્લાસ્ટિક ઉદ્યોગ માટે ગુજરાતમાં રોકાણ કરવા તેમણે ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતમાં રોકાયેલો દરેક રૂપિયો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સારું વળતર આપે છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે દેશના ઇતિહાસમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ ફાઈલો ક્લિયર કરીને માત્ર 90 દિવસમાં MSME ઉદ્યોગોને સબસીડી ચૂકવવામાં આવી છે, જેથી વેપારીઓને ઝડપી લાભ મળે અને યુવાનો માટે નવી રોજગારી સર્જાય. કાર્યક્રમનો હેતુ ગુજરાતના પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રના હિસ્સેદારોને એકત્ર કરીને ઉદ્યોગના ભવિષ્યના વિકાસનો દૃષ્ટિકોણ રજૂ કરવાનો હતો, જેમાં ‘ભારત નેક્સ્ટ’ રોડમેપનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ રોડમેપ અંતર્ગત 2026 સુધીમાં ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગનું મૂલ્ય 50 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આગામી 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનાર પ્લાસ્ટઇન્ડિયા 2026 માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ તૈયારીરૂપ સાબિત થયો, જેમાં વિવિધ રાજ્યોના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચર્ચામાં પ્લાસ્ટિક ઉત્પાદન, પ્રોસેસિંગ અને નિકાસમાં ગુજરાતની અગ્રણી ભૂમિકા કેન્દ્રમાં રહી, ખાસ કરીને રાજ્યના મજબૂત પેટ્રોકેમિકલ આધાર અને રાજકોટ, હાલોલ તથા વાપી જેવા વિકસિત ઉત્પાદન ક્લસ્ટરો પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક ક્ષેત્રે ભારતે છેલ્લા દાયકામાં નોંધાવેલા ઝડપી વિકાસ, નિકાસની વધતી ક્ષમતા અને પ્લાસ્ટઇન્ડિયા 2026ને વૈશ્વિક કરારો તથા ટેકનોલોજી ભાગીદારી માટેના મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતના ઉદ્યોગપતિઓને સ્થાનિક પ્રભુત્વમાંથી વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધવાની નવી તકો આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel