અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનેગારોમાં કડક સંદેશ આપવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર અને કુખ્યાત ગુનાઓમાં સંડોવાયેલા નામચીન આરોપી જાવેદ ઉર્ફે ઠાકરે મકસુદખાન પઠાણના ગેરકાયદે મકાન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, જાવેદ પઠાણે ફતેવાડી કેનાલ પાછળ આવેલા એગ્રીકલ્ચર ઝોન એટલે કે ખેતીલાયક જમીન પર કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર રીતે મકાનનું બાંધકામ કર્યું હતું. આ જમીન રહેણાંક ઉપયોગ માટે મંજૂર ન હોવા છતાં, આરોપીએ પોતાના પ્રભાવ અને દબદબાનો દુરુપયોગ કરીને ત્યાં બાંધકામ ઊભું કર્યું હતું.
વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા આ વિસ્તારમાં આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પોલીસે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિગતવાર રિપોર્ટ સોંપ્યો હતો, જેના આધારે મનપા દ્વારા તેને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થયા છતાં આરોપીએ સ્વયં બાંધકામ હટાવવાનું ટાળ્યું હતું. પરિણામે, ગઈકાલે કડક પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને JCB મશીનરીની મદદથી ગેરકાયદે મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આરોપી જાવેદ ઉર્ફે મકસુદ પઠાણ સામે હત્યા, લૂંટ, મારામારી સહિત 33થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તંત્રની આ કડક કાર્યવાહી બાદ વેજલપુર અને ફતેવાડી વિસ્તારના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પોલીસ-પ્રશાસન દ્વારા ગુનાખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel