સરકાર દ્વારા દેશમાં પ્રોડક્શન લિન્ક્ડ સ્કીમ (પીએલઆઈ) ભારતને નિકાસ હબ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ આઈટી હાર્ડવેર ૨.૦ની પીએલઆઈમાં માત્ર ૪૦ પાત્ર ઉમેદવારોએ જ અરજી કરી છે અને આ યોજનાને ‘આયાત વિકલ્પ’ તરીકે લાગુ કરવામાં આવી રહી છે. આમ આ સ્કીમ નિકાસકારોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે.
આ યોજના આયાત પર ભારે નિર્ભરતા ઘટાડવાની છે. લેપટોપ, ટેબલેટ અને સર્વર મુખ્યત્વે ચીનમાંથી આયાત કરવામાં આવે છે અને હવે તેને ભારતમાં એસેમ્બલ કરવા માટે આ સ્કીમ રજૂ કરવામાં આવી છે. આ યોજનામાં નિકાસકારો કરતાં સ્થાનિક સપ્લાય ચેનને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે. આમાં ૪૦ કંપનીઓએ માત્ર રૂ. ૨૮,૨૮૮ કરોડની નિકાસ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે તેમના વધારાના ઉત્પાદન ખર્ચના માત્ર છ ટકા છે.
આઈટી હાર્ડવેર માટે પ્રારંભિક પીએલઆઈ સ્કીમની શરૂઆતના પ્રસંગે, સરકારે ફેબ્રુઆરી ૨૦૨૧માં રૂ. ૩.૨૬ લાખ કરોડના વધારાના ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો. આમાં લગભગ ૭૫ ટકા નિકાસ રૂ. ૨,૭૦૦ કરોડના વધારાના રોકાણ સાથે કરવામાં આવશે. જો કે, ત્રણ મહિના પછી ઉમેદવારોની અરજીઓ અત્યંત સુસ્ત હોવાનું જણાયું હતું અને તેના કારણે લક્ષ્યાંકમાં નોંધપાત્ર ફેરફારો થયા હતા. આમાં, પાત્ર કંપનીઓનું સામૂહિક ઉત્પાદન રૂ. ૧.૬૧ લાખ કરોડના લક્ષ્યાંકના માત્ર અડધા સુધી પહોંચી શક્યું હતું અને તેમની નિકાસ પ્રતિબદ્ધતા પ્રારંભિક લક્ષ્યના માત્ર ૩૭ ટકા હતી. આ ક્રમમાં, કંપનીઓ રૂ. ૨૩૫૦ કરોડનું રોકાણ કરવા તૈયાર હતી અને તે પણ સરકારના વિચાર કરતાં ૧૨ ટકા ઓછું હતું. આ યોજના માટે ૧૯ કંપનીઓ (૧૪ ભારતીય અને પાંચ વિદેશી)એ અરજી કરી હતી.
ભારત ઇન્ટરનેશનલ ટેક્નોલોજીકલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરનાર હતું અને સંબંધિત દેશો હાર્ડવેર પર શૂન્ય ડયુટી માટે સંમત થયા હતા. તેથી વૈશ્વિક કંપનીઓની ભારતમાં આવવાની આશાઓ ઘટી ગઈ હતી.