કેન્દ્રીય બજેટ 2025-26 માટે માત્ર એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. નીતિ આયોગમાં યોજાયેલી આ બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે અર્થશાસ્ત્રી સુરજીત સિંહ ભલ્લા, ડી.કે.જોશી, અશોક ગુલાટી, સુદીપ્તો મુંડલે, જે. સિંહા, મદન સબનવીસ, સૌમ્ય કાંતિ ઘોષ, લવિશ ભંડારી, રજની સિંહા અને કેશબ દાસે હાજરી આપી હતી.
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ બેઠક ‘વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં ભારતના વિકાસની ગતિને ટકાવી રાખવા’ થીમ પર આયોજિત કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓને જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા વધુ ઝડપથી વૃદ્ધિ પામે તે માટે ઊંડા સુધારા જરૂરી છે. એમ જાણવા મળ્યું છે કે અર્થશાસ્ત્રીઓની સાથે ચર્ચા કરાયેલા સૂચનો આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ થનારા બજેટમાં સામેલ કરી શકાય છે.
વડાપ્રધાને સૂચન કર્યું હતું કે લોકોની મૂળભૂત માનસિકતા બદલીને અને મેક ઇન ઇન્ડિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને જ વિકસિત ભારતનું નિર્માણ કરી શકાય છે. બેઠકમાં રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ, કૃષિ ઉત્પાદકતામાં વધારો, રોકાણ અને નિકાસમાં વધારો જેવા મુદ્દાઓ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી.
હાલમાં, યુરોપથી મધ્ય એશિયા સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેન પ્રભાવિત થઈ રહી છે. ઇંધણ અને ખાદ્ય પદાર્થોના પુરવઠામાં પડકારોને કારણે વૈશ્વિક સ્તરે ફુગાવો વધી રહ્યો છે. ભારત છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી આઠ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે અને તે વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતો દેશ છે, પરંતુ વર્તમાન નાણાકીય વર્ષમાં અને આગામી નાણાકીય વર્ષમાં પણ આ વૃદ્ધિ દર ચાલુ રાખવો પડકારરૂપ બની શકે છે, જેના નિરાકરણ માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગામડાઓમાં રોજગારીની તકો વધારવાની સાથે તમામ ક્ષેત્રોમાં યુવાનો માટે કેવી રીતે રોજગારીનું સર્જન કરી શકાય અને તેમને બજારની જરૂરિયાત મુજબ કુશળ કેવી રીતે બનાવી શકાય તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રોકાણ અને નિકાસમાં વધારો કરવા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી કારણ કે આ બંને વિના દેશનો વિકાસ શક્ય નથી.