વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે 91 FM ટ્રાન્સમીટરનું ઉદઘાટનું કર્યું હતું. તેનાથી 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જિલ્લાને થશે. ફાયદો. તેનાથી સરહદી ક્ષેત્રો તથા આંકાક્ષી જિલ્લામાં FM રેડિયો કનેક્ટિવિટીને ફાયદો થશે. વડાપ્રધાનના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડના પ્રસારણથી બે દિવસ પહેલા આ રેડિયો સેવાઓનું વિસ્તરણ કરાયું છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાનું આ વિસ્તરણ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઓલ ઈન્ડિયા રેડિયોના 91 એફએમ ટ્રાન્સમિશનનું આ લોન્ચિંગ દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકોને ભેટ સમાન છે. પીએમઓએ કહ્યું કે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાના આ વિસ્તરણ પછી, લગભગ બે કરોડ લોકો સુધી રેડિયો સેવાઓ ઉપલબ્ધ થશે, જેઓ અત્યાર સુધી તેનાથી વંચિત છે. ઉપરાંત, લગભગ 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એફએમ રેડિયો કવરેજનો વિસ્તાર કરવામાં આવશે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. દેશભરના 84 જિલ્લાઓમાં 100W ના 91 નવા FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે એફએમ ટ્રાન્સમીટરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા લદ્દાખ અને આંદામાન-નિકોબાર ટાપુઓ સામેલ છે.
PM એ કહ્યું કે,ભારત પોતાની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકે તે માટે એ જરૂરી છે કે, કોઈ પણ ભારતીય પાસે તકોની કોઈ કમી ન હોય. આધુનિક ટેકનોલોજીને દરેક માટે સુલભ બનાવવી એ આ માટે એક મોટું માધ્યમ છે. તેમણે કહ્યું કે જે રીતે આજે ભારતના દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવામાં આવી રહ્યું છે. મોબાઈલ અને મોબાઈલ ડેટા બંનેની કિંમત એટલી બધી ઘટી ગઈ છે કે તેણે ‘એક્સેસ ઑફ ઈન્ફોર્મેશન’ને સરળ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે દેશમાં પાછલા વર્ષોમાં જે ટેક ક્રાંતિ થઈ છે તેણે રેડિયો અને એફએમને નવા અવતારમાં બનાવ્યા છે. ઈન્ટરનેટના કારણે રેડિયો પછાત નથી રહ્યો, પરંતુ ઓનલાઈન એફએમ અને પોડકાસ્ટ દ્વારા એટલે કે ડિજિટલ ઈન્ડિયાએ રેડિયોને નવા શ્રોતાઓ અને નવા વિચારો આપ્યા છે.