પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ની સંપૂર્ણ માલિકીની સહાયક-કંપની સુઝૂકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના સૌ પ્રથમ ઑટોમોબાઇલ પ્લાન્ટમાં રેલવે સાઇડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીની આગેવાનીમાં ચાલી રહેલા ગતિ શક્તિ કાર્યક્રમના ભાગ તરીકે, આ પ્લાન્ટની અંદર સ્થિત રેલવે સાઇડિંગ માલ-સામાનની હેરફેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા, અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઓછો કરવા અને માર્ગો પર વાહનોની ગીચતા ઘટાડવાનો હેતુ ધરાવે છે.
વાર્ષિક ધોરણે 3,00,000 કાર ડિસ્પેચ કરી શકે
એક વખત સંપૂર્ણ કાર્યરત થયા પછી ગુજરાત રેલવે સાઇડિંગ સુવિધા સમગ્ર ભારતના 15 જેટલા સ્થાનો પર વાર્ષિક ધોરણે 3,00,000 કાર ડિસ્પેચ કરી શકે છે.
GIDC તથા MSIL સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલમેન્ટ (G-RIDE) અને ભારતીય રેલવેના સહકારમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) તથા MSIL સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે.
માલ-સામાનની હેરફેરમાં કાર્યક્ષમતા વધારશે
ગ્રીન લોજિસ્ટિકને પ્રોજેક્ટ સમર્પિત કરતા મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ગતિ શક્તિ કાર્યક્રમનો ભાગ બનીને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ, જે માલ-સામાનની હેરફેરમાં કાર્યક્ષમતા વધારે છે. આજે એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે કારણ કે અમે પોતાના ઉત્પાદન પ્લાન્ટ રેલવે સાઇડિંગ સુવિધા ધરાવતી ભારતની પ્રથમ ઑટોમોબાઇલ કંપની બની ગયા છે.
વર્તમાન ઉત્પાદન ક્ષમતા બમણી કરવા તરફ આગળ વધી રહ્યાં: CEO
તાકેઉચીએ ઉમેર્યુ હતુ કે, “અમે 2030-32 સુધીમાં પ્રતિ વર્ષ 2 મિલિયન યુનિટથી વધારીને પ્રતિ વર્ષ 4 મિલિયન યુનિટ સુધી કરીને અમારી વર્તમાન ઉત્પાદન ક્ષમતા બમણી કરવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે રેલવે મારફતે વાહનોની હેરફેર તેમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ ઇન-પ્લાન્ટ રેલવે સુવિધા ટકાઉ મોબિલિટીની સુવિધા પ્રત્યે અમારી કટિબદ્ધતા વધુ દૃઢ બનાવે છે.