Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે PM મોદીની વાતચીત, કહ્યું- ‘સેવાના માર્ગથી ક્યારેય ભટકીશું નહીં’

‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે PM મોદીની વાતચીત, કહ્યું- ‘સેવાના માર્ગથી ક્યારેય ભટકીશું નહીં’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના સેવા યાત્રીઓ સાથે વાતચીત કરી સેવા, સમર્પણ, પર્યાવરણ સંરક્ષણ અને જળ બચાવ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ સેવા યાત્રીઓને સંબોધતાં કહ્યું કે, “આપણું મુખ્ય કાર્ય માત્ર સેવા કરવાનું હોવું જોઈએ. સેવા કરતાં-કરતાં સેવાભાવનો સંદેશ આપવાનો છે, કોઈને ઉપદેશ આપવાનો નથી.” તેમણે સેવા યાત્રીઓને સેવાભાવને જીવનનો મૂળ મંત્ર બનાવી રાખવા અપીલ કરી હતી.

‘ગમે તેટલા ઊંચા શિખરે પહોંચીએ, સેવાભાવથી પીછેહઠ નહીં કરીએ’

સેવા યાત્રીઓ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે વ્યક્તિ રાજકીય કે સામાજિક જીવનમાં ગમે તેટલી ઊંચાઈએ પહોંચે, પરંતુ સેવાના ભાવથી ક્યારેય દૂર ન થવી જોઈએ.

તેમણે જણાવ્યું કે આપણું આચરણ એવું હોવું જોઈએ કે ગમે તેટલી મોટી રાજકીય કે સામાજિક શક્તિ મળે, છતાં આપણો મૂળ માર્ગ સેવા જ રહે. તેમણે ‘સેવા પરમો ધર્મઃ’ના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો હતો.

સેવા યાત્રીઓને PM મોદીએ કર્યા પ્રણામ

પ્રધાનમંત્રી મોદીએ ભારતીય પરંપરાનો ઉલ્લેખ કરતાં સેવા યાત્રીઓ સાથે રસપ્રદ વાત પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશમાં એવી પરંપરા છે કે જ્યારે કોઈ વ્યક્તિ યાત્રા કરીને પરત આવે અને તેને પ્રણામ કરવામાં આવે ત્યારે યાત્રાથી મળેલા પુણ્યનો એક ભાગ પ્રણામ કરનારને પણ મળે છે.

આ સંદર્ભમાં તેમણે સેવા યાત્રીઓને પ્રણામ કરતાં હળવી શૈલીમાં કહ્યું કે, “તમામ સેવા યાત્રીઓને પ્રણામ કરીને મેં તમારું અડધું પુણ્ય ચોરી લીધું છે તેવી ભાવના થઈ રહી છે.”

સાથે જ તેમણે સ્વયંસેવકોને પોતાની તબિયત અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તેમજ સેવાના માર્ગ પર સતત આગળ વધતા રહેવા અપીલ કરી હતી.

‘સેવા કરવી છે, ઉપદેશ નથી આપવો’

પ્રધાનમંત્રી મોદીએ સેવા કાર્યની પદ્ધતિ અંગે પણ મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે કહ્યું કે લોકો વચ્ચે જઈને માત્ર ઉપદેશ આપવાને બદલે પોતાના કાર્ય અને આચરણ દ્વારા સેવાભાવનો સંદેશ પહોંચાડવો જોઈએ.

તેમણે સેવા યાત્રીઓને સમજાવ્યું કે સેવા પોતે જ એક સંદેશ છે. લોકો જ્યારે કોઈ વ્યક્તિને નિઃસ્વાર્થ રીતે સેવા કરતા જુએ છે ત્યારે તેમાંથી પ્રેરણા મળે છે. તેથી સેવા કાર્યને માત્ર અભિયાન પૂરતું મર્યાદિત ન રાખીને જીવનના આચરણનો ભાગ બનાવવો જોઈએ.

વૃક્ષારોપણ માટે PM મોદીએ આપ્યો ખાસ ઉપાય

સેવા યાત્રીઓ સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાન મોદીએ વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ અંગે પણ સૂચન કર્યું હતું. તેમણે વૃક્ષ વાવ્યા બાદ તેને જીવંત રાખવા અને ઓછા પાણીમાં તેનો વિકાસ થાય તે માટે માટીના ઘડાનો ઉપયોગ કરવાની રીત જણાવી હતી.

તેમણે સૂચવ્યું કે છોડ કે વૃક્ષ વાવતી વખતે તેની નજીક પાણીથી ભરેલો માટીનો ઘડો મૂકવામાં આવે. ઘડામાં સમયાંતરે પાણી ભરવાથી છોડને ધીમે-ધીમે પાણી મળતું રહે અને પાણીનો બગાડ પણ ઘટાડી શકાય.

પાણી બચાવવા પર પણ ભાર

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આ પ્રકારની પદ્ધતિથી વૃક્ષોને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવાની સાથે પાણીની બચત કરવામાં પણ મદદ મળી શકે છે. વૃક્ષારોપણ માત્ર છોડ વાવવા પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ તેનું જતન કરીને વૃક્ષ તરીકે વિકસાવવું પણ એટલું જ જરૂરી છે તેવો સંદેશ તેમણે આપ્યો હતો.

આ રીતે સેવા યાત્રીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા, સમર્પણ, વૃક્ષારોપણ અને જળ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને કાર્યકરો અને સ્વયંસેવકોને સેવાભાવ સાથે આગળ વધવા અપીલ કરી હતી.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.