PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, PM મોદી આજે 4 જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત પ્રવાસના પહેલા દિવસે PM મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
PM મોદી આજે 4 જનસભાને સંબોધશે
આજે વડાપ્રધાન મોદી વલ્લભવિદ્યાનગરમાં PM મોદી જાહેરસભા સંબોધશે. આ પછી PM મોદી બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધશે. બપોરે 2.15 વાગ્યે જૂનાગઢમાં જાહેરસભાને સંબોધશે. સાંજે 4.15 વાગ્યે જામનગરમાં PM મોદી જનસભા કરશે.
નોંધનીય છે કે PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો બીજો દિવસ છે, આજે એક જ દિવસમાં વડપ્રધાન મોદી 4 જનસભા કરવાના છે. વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢના લોકસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં PM મોદી સભા કરવાના છે. આણંદથી મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર છે, તેમને આણંદ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપના ઉમેદવાર છે, તેઓ સુરેન્દ્રનગરથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે, જેમને જૂનાગઢ બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તેમને ભાજપે રિપીટ કર્યા છે.
લોકસભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. વડાપ્રધાને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના બે પ્રદેશોમાં લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં જંગી જાહેરસભાને સંબોધી હતી. ડિસામાં જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. તેમણે કહ્યું કે સરકાર બનાવવા માટે 272 બેઠકો જોઈતી હોય છે. પરંતુ ભાજપ સિવાય એકપણ પક્ષ એવો નથી જે 272 ઉમેદવાર પણ ઉભો રાખતો હોય. તેમણે કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર થયો ત્યારે જ મેં કહ્યું હતું કે આમાં મુસ્લિમ લીગની છબી છે.
વડાપ્રધાને કહ્યું કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે. વડાપ્રધાને કહ્યું કે હું ગુજરાતની જનતાને સલામ કરું છું કે તેમણે પોતાની સુઝબુઝથી ક્યારેય અહીં અસ્થિર સરકાર નથી આવવા દીધી. ક્યારેય ગુજરાતની જનતાએ ટુંકાગાળાનો લાભ લેવાનો મોહ નથી રાખ્યો. ગુજરાતની જનતાએ એકવાર કોંગ્રેસને હટાવી પછી બીજીવાર તેને અહીં પગ નથી મુકવા દીધો. તેમણે ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ‘મહોબ્બતની દુકાન હવે ફેક વીડિયોની ફેક્ટરી બની.’