વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર આયોજીત ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનના સમાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન કર્યું અને ‘મેરા યુવા ભારત’ સંસ્થાની શરૂઆત કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું, ખેડૂત હોય કે બહાદુર સૈન્ય જવાન, આ માટીમાં કોનું લોહી નથી ભળ્યું ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે સાંજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનના સમાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કર્તવ્ય પથ ઉપર યોજાયેલા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનના સમાપન કાર્યક્રમ કાર્યક્રમની સાથેસાથે આઝાદી કા અમૃત મહોત્સવનું પણ સમાપન થયું હતું. દેશના યુવાનો માટે ‘મેરા યુવા ભારત’ (મારું ભારત) નામનું સંગઠન શરૂ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ અમૃત કલશમાં માટી અર્પણ કરી હતી અને અમૃત વાટિકાનો શિલાન્યાસ કર્યો હતો.
‘મેરી માટી મેરા દેશ’ અભિયાનના સમાપન કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જીવન એ છે જે માટીનું ઋણ ચૂકવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કર્તવ્ય પથ, એક મહાન યજ્ઞમાં ભાગીદાર બની રહ્યો છે. આજે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની યાદમાં વધુ એક સ્મારકનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. જે આવનારી પેઢીઓને તેની યાદ અપાવશે. એક તરફ આજે આપણે એક મહાન ઉત્સવનું સમાપન કરી રહ્યા છીએ અને સાથે સાથે એક નવા સંકલ્પની પણ શરૂઆત કરી રહ્યા છીએ.
માટી આપણા આત્માઓને જોડે છેઃ પીએમ
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, મહાન સંસ્કૃતિનો અંત આવી ગયો, પરંતુ ભારતની ધરતીમાં એક એવી ચેતના છે જેણે આ રાષ્ટ્રને પ્રાચીન કાળથી આજ સુધી બચાવ્યું છે. આ એ જ માટી છે જે આપણને દેશના દરેક ખૂણે દરેક રીતે જોડે છે. આપણા વીરોએ આ ધરતી પર શપથ લઈને આઝાદીની લડાઈ લડી હતી. આ માટીમાં ખેડૂતોથી લઈને બહાદૂર સૈન્ય જવાનનું લોહી વહ્યું છે.
પીએમઓ અનુસાર, ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન એ બહાદુર માણસોને શ્રદ્ધાંજલિ છે. જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમો અને સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દેશભરમાં બે લાખથી વધુ ‘વીર ને વંદન’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 2.36 કરોડથી વધુ સ્વદેશી રોપાઓ વાવવામાં આવ્યા હતા, જ્યારે 2.6 લાખ અમૃત વાટિકાઓ બનાવવામાં આવી હતી.