મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે શુક્રવારે જાહેરાત કરી હતી કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે. પીએમ મોદી 11-12 માર્ચે પોર્ટ લુઇસની મુલાકાત લેવાના છે. તેમણે સંસદમાં આ જાહેરાત કરી હતી. આખા ગૃહે તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ આવા કાર્યક્રમમાં ભાગ લેવો એ વિશેષ સન્માનની વાત છે
નવીનચંદ્ર રામગુલામે આ અંગે સંસદમાં માહિતી આપતાં કહ્યું કે, પીએમ મોદી માટે આવા કાર્યક્રમમાં ભાગ લેવો એ વિશેષ સન્માનની વાત છે, ખાસ કરીને જ્યારે તેમનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત હોય છે. તાજેતરમાં તેમણે પેરિસ અને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
રામગુલામે કહ્યું, ‘મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે, મારા આમંત્રણ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ખાસ મહેમાન બનવા માટે સહમતિ આપી છે. આપણા દેશ માટે એ સન્માનની વાત છે કે આપણે એ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરી રહ્યા છીએ. તેઓ તેમના વ્યસ્ત શેડ્યુલ પેરિસ અને અમેરિકાની તાજેતરની મુલાકાત છતાં અમને આ સન્માન આપી રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘પીએમ મોદીની આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત અને સ્થિર સંબંધોનું પ્રતીક છે.’
1968 માં તેમને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી
મોરેશિયસ પોતાનો રાષ્ટ્રીય દિવસ દર વર્ષે 12 માર્ચે ઉજવે છે. આ દિવસે વર્ષ 1968 માં તેમને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. આ દિવસને 1992માં કોમનવેલ્થના પ્રજાસત્તાકમાં રૂપાંતરને પણ ચિહ્નિત કરે છે. અગાઉ, નવેમ્બર 2024 માં પીએમ મોદીએ રામગુલામને મોરેશિયસમાં ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ રામગુલામ સાથે કામ કરીને આપણી અનોખી ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.
મોરેશિયસની 12 લાખ વસ્તીમાંથી 70 ટકા ભારતીય મૂળ લોકો
ભારત અને મોરેશિયસ વચ્ચે લાંબા સમયથી ગાઢ અને મજબૂત સંબંધો છે. આ સંબંધો પાછળનું મુખ્ય કારણ એ છે કે મોરેશિયસની 12 લાખ વસ્તીમાંથી ભારતીય મૂળના લોકો લગભગ 70 ટકા છે.