સ્વામી વિવેકાનંદે એકવાર કન્યાકુમારીમાં સ્થિત આ શિલા પર ધ્યાન કર્યું હતું. હવે પીએમ મોદી પણ અહીં ધ્યાન કરશે. સૌથી પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર જશે. આ પછી તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં 57 લોકસભા સીટો માટે 1 જૂને મતદાન થવાનું છે.
પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધી રહેશે. 2019માં છેલ્લા તબક્કાના મતદાન પહેલા તેઓ કેદારનાથ ગયા હતા. મતગણતરી પહેલા તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂર્ણ થયા બાદ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મારક રોક મેમોરિયલ પર ધ્યાન કરશે. ધ્યાન મંડપમાં આજે સાંજથી લઈ એક જુન સુધી ધ્યાન કરશે.
કવિ તિરુવલ્લુવરના દર્શન
તમને જણાવી દઈએ કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સ્થાન પર આધ્યાત્મિક વિભૂતિ વિવેકાનંદને ભારત માતા વિશે દિવ્ય દષ્ટિ પ્રાપ્ત થઈ હતી. જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જૂન બપોર 3 કલાકે એક શિલા પર બનેલી મહાન કવિ તિરુવલ્લુવરની પ્રતિમાના દર્શન કરશે અને તેમને હાર પહેરાવશે.
પીએમ મોદીના પ્રવાસને લઈ સુરક્ષા વધારવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ સુરક્ષા વધારવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષા માટે તૈનાત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
2 હજાર પોલિસકર્મીઓ તૈનાત
ઈન્ટરનેશનલ પ્રવાસ સ્થળોમાં સામેલ કન્યાકુમારી અને તેની આસપાસ અંદાજે 2,000 પોલિસકર્મીઓ તૈનાત રહેશે. પીએમ મોદીના કાર્યક્રમ અનુસાર આધ્યાતમિક પ્રવાસ માટે આજે બપોરના કન્યાકુમારી પહોંચશે. ત્યારબાદ મેમોરિયલ જશે. એક જૂન બપોરના 3 વાગ્યા સુધી વિવેકાનંદ રોક મેમોરિયલ પર રહેશે. તે સમયે દેશમાં લોકસભા ચૂંટણીનું સાતમાં તબક્કા અને છેલ્લા તબક્કાનું મતદાન થતું હશે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે વડા પ્રધાન લગભગ 45 કલાક રોકાશે, તેથી કોસ્ટલ સિક્યુરિટી ગ્રુપ, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દરિયાઈ સરહદો પર નજર રાખશે.