વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તેઓ પ્રથમ ઘાના, ત્યારબાદ ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને છેલ્લે નામિબિયા જશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની આ તમામ દેશોમાંથી ચાર દેશોની પહેલી મુલાકાત છે, જે દર્શાવે છે કે ભારત હવે પરંપરાગત સંબંધો કરતા વધુ વ્યાપક, વિસ્તૃત અને દક્ષિણ ગોળાર્ધના ઉદયમાન ભાગીદારો સાથે જોડાણ ગાઢ કરવા માંગે છે.
પ્રથમ સ્ટોપ ઘાના છે, જ્યાં 30 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન જઈ રહ્યો છે. આ પ્રવાસ ઘાનાના સાથે દ્વિપક્ષીય સહયોગને નવી દિશા આપશે, ખાસ કરીને ઊર્જા, સંરક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સહયોગના ક્ષેત્રોમાં. ઘાના ભારતના સૌથી મોટા ગોલ્ડ સપ્લાયર્સમાંનો એક છે અને આ મુલાકાત ભારતના આફ્રિકા ફોકસના ભાગરૂપે જોઈ શકાય છે. પીએમ મોદી ઘાનાની સંસદને સંબોધિત પણ કરશે, જે આ યાત્રાને ઐતિહાસિક બનાવે છે.
ઘાના બાદ વડાપ્રધાન ત્રિનિદાદ એન્ડ ટોબેગો જશે, જ્યાં ભારતીય મૂળની વસ્તી નોંધપાત્ર છે. વડાપ્રધાન તરીકે તેમની આ પ્રથમ યાત્રા, અને 1999 બાદ ભારત તરફથી પહેલી ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. ભારત અને T\&T વચ્ચે સંસ્કૃતિ, ઈતિહાસ અને સમુદાય આધારિત સંબંધો રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ભારતીય મૂળના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર અને રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લા કંગાલૂ સાથે વિવિધ સહયોગ પર ચર્ચા કરશે. T\&Tમાં ભારતીય સ્થળાંતરના 180 વર્ષ પૂરા થવાના અવસરે યોજાઈ રહેલી આ મુલાકાત સમુદાયને નવી ઊર્જા આપશે.
પછી પીએમ મોદી દક્ષિણ અમેરિકાના મહત્ત્વના દેશ આર્જેન્ટિનાની મુલાકાત લેશે – જ્યાં છેલ્લે ઈન્દિરા ગાંધી 1968માં ગઈ હતી. આ મુલાકાતમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ જેવિયર માઈલી સાથે ખેતી, ખનિજ, ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના માર્ગો ખોલશે. ખાસ કરીને લિથિયમ ક્ષેત્રે બંને દેશો વચ્ચે પહેલેથી ચાલી રહેલા સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થશે, કારણ કે ગ્રીન એનર્જી માટે લિથિયમ ખૂબ જ અવિભાજ્ય ઘટક છે.
આ પછી પીએમ મોદી બ્રાઝિલ પહોંચશે, જ્યાં તેઓ રિયો ડી જાનેરોમાં BRICS શિખર સંમેલનમાં ભાગ લેશે. બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. વડાપ્રધાન લુલા દા સિલ્વા સાથે તેઓ દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં ટેકનોલોજી, અવકાશ, આરોગ્ય, કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાની ચર્ચા થશે. BRICS સમિટમાં વૈશ્વિક શાસન સુધારણા, AIના જવાબદાર ઉપયોગ, આબોહવા નીતિ, અને વૈશ્વિક આરોગ્ય બાબતોમાં ભારતના અભિગમને પીએમ રજૂ કરશે.
આ યાત્રાનો અંતિમ તબક્કો નામિબિયા છે – જ્યાં વડાપ્રધાન પ્રથમવાર જઈ રહ્યા છે. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ નેતુમ્બો નંદી-ન્દૈતવા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને સંસદને સંબોધિત કરશે. ભારત-નામિબિયા સંબંધોએ ખાસ કરીને ચિત્તા પુનર્સ્થાપન યોજનાથી નવી દિશા પકડેલી છે, જેમાં સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા. ભારતીય કંપનીઓના માઈનિંગ, હીરા ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધતા રોકાણો સાથે નામિબિયા હવે ભારત માટે મહત્વપૂર્ણ સહયોગી બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel