વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી છે. તેમણે વાળીનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ પૂજા અર્ચના પણ કરી. આ સાથે જ ડિજિટલી 13 હજાર કરોથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે.
13 હજાર કરોડના વિકાસ કામોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના 2500 કરોડથી વધુના કામોની ભેટ આપી છે. ભારતનેટ ફેઝ-2 હેઠળ 2042 કરોડના પ્રોજેક્ટ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કર્યુ છે.જેનાથી રાજ્યની 8030 ગ્રામ પંચાયતને લાભ થશે. 2,300 કરોડથી વધુના ખર્ચે રેલવેના 5 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યુ છે.
‘દેશ-દુનિયાનું સ્વાગત અલગ-ઘરનું સ્વાગત અલગ’
વડાપ્રધાને વાળીનાથ ધામમાં સંબોધન સમયે જણાવ્યુ કે, દેશ અને દુનિયા માટે વાડીનાથ ધામ તીર્થ છે, પણ રબારી સમાજ માટે ગુરુ ગાદી છે. તેમણે સંબોધનની શરુઆતમાં કહ્યુ કે આજે વાડીનાથે વટ પાડી દીધો. દેશ અને દુનિયામાં થતુ સ્વાગત એક તરફ છે, જ્યારે પોતાના ઘરમાં થતું સ્વાગત અલગ છે.
‘દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે’
આ સાથે જ વડાપ્રધાને તેમને અયોધ્યાના રામ મંદિર, અબુધાબીમાં ખાડી દેશોના પહેલા હિંદુ મંદિરનું લોકાર્પણ, UPમાં કલ્કી મંદિર અને હવે વાડીનાથમાં મહાદેવ મંદિરની સેવામાં આવવાનો મોકો મળ્યાનું જણાવ્યુ હતુ.તેમણે જણાવ્યુ કે દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે.જયરામગીરી બાપુને યાદ કર્યા અને પ્રણામ કર્યા સાથે બલદેવગીરી બાપુને પણ યાદ કર્યા. તેમણે કહ્યુ કે સ્વર્ગસ્થ બલદેવગીરી બાપુ આ મંદિરને જોઇ આજે ખુશ થતા હશે.
કોંગ્રેસ પર PM મોદીના પ્રહાર
વડાપ્રધાને જણાવ્યુ કે બે દસકમાં અમે વિકાસના સાથે સાથે વિરાસતથી જોડાયેલી ભવ્યતાના કામો પણ કર્યા છે.દુર્ભાગ્યથી આઝાદ ભારત પછી વિકાસ અને વિરાસત વચ્ચે દુશ્મની બનાવી દેવામાં આવી હતી.તેના માટે દોષિત કોંગ્રેસ જ છે.આ એ જ લોકો છે જેમણે સોમનાથ જેવા સ્થળોને વિવાદનું કારણ બનાવ્યુ છે.આ એજ લોકો છે, જેમણે મોઢેરાના સૂર્ય મંદિરને પણ રાજનીતિ સાથે જોડીને જ જોયુ છે. તેમણે ભગવાન રામ મંદિરના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે.