વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન મોદીનો આ વખતનો ગુજરાત પ્રવાસ અનેક રીતે મહત્વનો છે. પીએમની ગુજરાત મુલાકાત ન માત્ર સૌરાષ્ટ્ર માટે પણ સમગ્ર રાજ્ય માટે ફાયદાકારક સાબિત થવાની છે. બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે જ સરકારના તમામ પ્રધાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી 2024ના ચૂંટણી જંગમાં તૈયાર રહેવા હાકલ કરશે.
આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. જે બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરશે. આ દરમિયાન PM મોદીનાં હસ્તે KKV ચોકના ડબલ ડેકર ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. આ ઉપરાંત શહેરની સૌથી મોટી લાયબ્રેરી અને સૌની યોજના-3ની પાઈપલાઈન સહિત મનપાનાં કુલ રૂ. 234 કરોડના વિકાસ કામોને પણ તેઓ પ્રજાને સમર્પિત કરશે.
રાજકોટમાં જાહેરસભા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવશે. અહીં તેઓ ગુજરાતના પ્રધાનમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. રાજભવનમાં મળનારી આ બેઠક માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 28 જુલાઇના રોજ તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિકોન ઇન્ડિયા સેમિનારનું ઉદઘાટન કરશે. જેમાં સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી વિશ્વની જાયન્ટ કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે. બપોરે વડાપ્રધાન મોદી સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે લંચ કરશે.