સીરિયામાં ગૃહયુદ્ધ ચરમસીમાએ છે. દેશમાં બળવો થયા બાદ સત્તાપલટો થઈ ગયો અને અત્યાર સુધી રાષ્ટ્રપતિ રહેલા બશર અલ અસદને રશિયા ભાગવું પડ્યું. આ દરમિયાન, ઇઝરાયલે સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સના મોટા ભાગના વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. હવે ઈઝરાયલ ગોલન હાઇટ્સમાં વસ્તી સમીકરણ બદલવાની સંપૂર્ણ તૈયારીમાં છે.
ઈઝરાયલ વસાહતવાદની નીતિને આગળ વધારશે
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુની અધ્યક્ષતામાં કેબિનેટે 11 મિલિયન ડૉલરના ફંડને મંજૂરી આપી દીધી. જે અંતર્ગત ત્યાં વસાહતોની સ્થાપના કરવામાં આવશે, ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવશે અને સ્ટુડન્ટ વિલેજ પણ બનાવવામાં આવશે. તેના દ્વારા ત્યાં યહૂદીઓની વસ્તી વધારવામાં આવશે જેથી સંતુલન સ્થાપિત કરી શકાય.
હાલમાં ગોલાન હાઇટ્સમાં 50-50 ટકા યહૂદીઓ અને ડ્રુઝની રહે છે. નેતન્યાહુ કેબિનેટનું કહેવું છે કે આ રકમ શિક્ષણ, રિન્યુએબલ એનર્જી, સ્ટુડન્ટ વિલેજની સ્થાપનામાં ખર્ચવામાં આવશે. આ અંતર્ગત નવા નાગરિકોને ત્યાં સ્થાયી કરવામાં આવશે. તેનાથી વસ્તી સંતુલિત થશે. નેતન્યાહુએ કેબિનેટ બેઠક બાદ કહ્યું કે ગોલાન હાઇટ્સમાં પોતાને મજબૂત બનાવવું એ ઇઝરાયલને મજબૂત કરવાનો એક માર્ગ છે. આ સમયે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ એજન્ડા પર આગળ વધવાનું ચાલુ રાખીશું.
અમારા કબજા હેઠળના વિસ્તાર માટે જ આ યોજના
ઈઝરાયલનું કહેવું છે કે આ યોજના હાલમાં માત્ર તેના નિયંત્રણ હેઠળના વિસ્તાર માટે છે. ઇઝરાયલે 1967ના પ્રખ્યાત 6 દિવસીય યુદ્ધમાં ગોલાન હાઇટ્સ વિસ્તાર પર કબજો જમાવ્યો હતો. તેણે સીરિયા સહિત ઘણા અરબ દેશો સામે આ યુદ્ધ એકલા હાથે લડ્યું હતું. તેને 1981માં ઇઝરાયલ દ્વારા મર્જ કરવામાં આવ્યું હતું. મોટાભાગના અરબ દેશો ઇઝરાયલના કબજા હેઠળના આ વિસ્તારને મંજૂરી આપતા નથી, પરંતુ અમેરિકાએ તેને 2019 માં ઇઝરાયલી ક્ષેત્ર તરીકે મંજૂરી આપી હતી. ઈઝરાયલના આ નવા પગલા પર અરબ દેશોએ પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
સાઉદીનું રિએક્શન આવ્યું
સાઉદી અરેબિયાએ ઈઝરાયલના આ પગલાને સીરિયા વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયામાં ચાલી રહેલી અસ્થિરતાનો ફાયદો ઉઠાવવા ઈઝરાયલે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર પર કબજો કરવાના ઇઝરાયલના પ્રયાસમાં આ એક નવું પગલું છે.