દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે વધુ એક ચોંકાવનારો પાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓ હવે સ્યુસાઇડ બૉમ્બર ઉમર ઉન નબી સાથે જોડાયેલી વધુ એક કાર — બ્રેઝા —ની શોધખોળ કરી રહી છે. આ પહેલાં હરિયાણાના ના એક ફાર્મહાઉસમાંથી ઉમર સંબંધી લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર મળી આવી હતી. હવે પોલીસને માહિતી મળી છે કે ઉમરની માલિકીની બીજી બ્રેઝા કાર પણ આતંકી કાવતરાનો ભાગ હતી, અને તેનો ઉપયોગ રેકી અથવા વિસ્ફોટ માટે થવાનો હતો.
પોલીસ સૂત્રો અનુસાર, બુધવારે (12 નવેમ્બર) મળી આવેલી ફોર્ડ ઇકોસ્પોર્ટ અને હાલ શોધાતી બ્રેઝા — બન્ને કારો ઉમર ઉન નબીના નેટવર્ક સાથે સીધા જોડાયેલા છે. તપાસમાં ખુલ્યું છે કે આતંકવાદીઓ દેશમાં અનેક ઠેકાણે આ પ્રકારની કારનો ઉપયોગ કરીને સીરિયલ બ્લાસ્ટ કરવા માંગતા હતા. ઉમર અને તેની ટીમે કુલ ત્રણથી ચાર કારમાં વિસ્ફોટકો ફિટ કરવાની તૈયારી કરી હતી, જેમાંથી બે કારમાં પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. હવે તપાસ એજન્સીઓ એ પણ તપાસી રહી છે કે અન્ય કોઈ વાહન પણ આ ટેરર નેટવર્ક માટે તૈયાર કરવામાં આવ્યું હતું કે નહીં.
ઇન્ટેલિજન્સ સૂત્રો મુજબ, આતંકવાદીઓ મૂળ રૂપે જમ્મુ-કાશ્મીરના પુલવામા જેવી જ એક આતંકી ઘટના સર્જવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ તેમની કોર ટીમના કેટલાક સભ્યોની ધરપકડ થતાં જ યોજનામાં ગડબડ થઈ ગઈ. રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના પુલવામાના રહેવાસી ડૉ. ઉમર ઉન નબી આ કાવતરાનું મુખ્ય સંકલનકર્તા હતો, જ્યારે અન્ય ચાર મુખ્ય સાથીઓમાં મૌલવી ઇરફાન, ડૉ. આદિલ રાથર, મુઝમ્મિલ શકીલ અને મુઝમ્મિલની ગર્લફ્રેન્ડનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, આદિલનો ભાઈ મુઝફ્ફર અને આમિર નામનો શખ્સ પણ તેમની સાથે જોડાયેલા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ i20 કાર આમિરે ખરીદી હતી અને બાદમાં ઉમર સુધી પહોંચાડી હતી.
ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ ટેરર મોડ્યુલનું આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ શોધી કાઢ્યું છે. સૂત્રો મુજબ, આ નેટવર્કના ત્રણ વિદેશી હેન્ડલરો તૂર્કી અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી આતંકી ગતિવિધિઓને માર્ગદર્શન આપી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે મુઝમ્મિલ, મુઝફ્ફર અને ઉમર વર્ષ 2022માં ટર્કી ગયા હતા, જ્યાં તેમની મુલાકાત એક પાકિસ્તાન સંકળાયેલા હેન્ડલર સાથે થઈ હતી. તેઓ પછી અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ કોઈ કારણસર તે શક્ય બન્યું નહીં. મૌલવી ઇરફાનના કેટલાક ફોન કોલ્સ અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોવાનું પણ ટેકનિકલ એનાલિસિસમાં સામે આવ્યું છે.
આ રીતે, દિલ્હી કાર બ્લાસ્ટ કેસ હવે એક વિશાળ આંતરરાષ્ટ્રીય ટેરર નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે, જેમાં તબીબી પૃષ્ઠભૂમિવાળા આતંકવાદીઓ, વિદેશી હેન્ડલરો અને વિસ્ફોટકોના ગેરકાયદેસર વેપારનો એક સુઘડ માળખો સામેલ છે. NIA, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ બ્યુરો આ કેસની તપાસ સંયુક્ત રીતે કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel