શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને એની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ૨૦૨૪ના જાન્યુઆરી મહિનાની ૨૧, ૨૨ અને ૨૩ તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.
ટ્રસ્ટના મહાસચિવ સંપત રાયે જણાવ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ સંતો અને મહાનુભાવોને આમંત્રણ આપવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ૨૧થી ૨૩ દરમિયાન યોજાશે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજના નામથી તમામ આમંત્રિતોને આમંત્રણ પત્રિકા એનાયત થશે.
તેમણે કહ્યું હતું કે કાર્યક્રમ રાજકારણથી પર રહેશે. તમામ પક્ષોના નેતાઓને પણ યોગ્ય સન્માન સાથે આમંત્રણ અપાશે. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય. કોઈ સાર્વજનિક બેઠકનું આયોજન થશે નહીં. માત્ર ધાર્મિક વિધિવિધાનથી ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.
૧૩૬ સનાતન પરંપરાઓ છે, તેના ૨૫ હજાર સાધુઓ-ધર્મગુરુઓને વિશેષ આમંત્રણ અપાશે. રામમંદિરના અભિષેક સમારોહમાં ૨૫ હજાર સાધુ-સંતો ઉપરાંત ૧૦ હજાર મહેમાનો પરિસરમાં હાજર રહેશે તેવો અંદાજ છે. મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો હશે, પરંતુ તે સિવાય એક મહિના સુધી વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાશે. અયોધ્યાના વિવિધ સાધુ-સંતોના ગુ્રપ બનાવીને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ટ્રસ્ટ કુલ ૭૫ હજારથી વધુ લોકોના ભોજનની વ્યવસ્થા કરશે.