પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવાના છે. પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. મા ગંગાએ મને દત્તક લીધો છે. આટલુ કહી પીએમ મોદી તેમના માતાને યાદ કરી ભાવુક પણ થયા હતા. પીએમ મોદીએ કહ્યુ કે માતાના નિધન બાદ ગંગા જ મારી માતા છે. તેમણે કહ્યુ 10 વર્ષ પહેલા અહીં પ્રતિનિધિ બનવા માટે આવ્યો હતો. 10 વર્ષથી કાશીવાસીઓએ મને તેમનો પ્રતિનિધિ બનાવ્યો અને હવે તો મને પુરો બનારસી બનાવી દીધો છે.
પીએમે કહ્યું કે લોકોનો પ્રેમ જોઈને મને લાગે છે કે મારી જવાબદારીઓ દરરોજ વધી રહી છે. હું દરેક કામને પરમાત્માની પૂજા સમજી કરુ છુ. દરેક કામને ઈશ્વરની આરાધના સમજીને કરુ છુ. પીએમ મોદીએ કહ્યું કે જનતા જનાર્દનને હું પરમાત્માનું જ સ્વરૂપ માનુ છુ. પીએમ મોદીએ કહ્યુ કે જનતા મારા માટે ઈશ્વરનું જ રૂપ છે.
‘હું મારા દેશવાસીઓને ભગવાન માનું છું’
પીએમએ કહ્યું કે કદાચ ભગવાને જ મને કોઈ કામ માટે મોકલ્યો છે. ભગવાને મને ભારતની ભૂમિ માટે પસંદ કર્યો છે અને એક રીતે હું તમામ સંબંધોથી વિરક્ત રહી દરેક કાર્યને પરમાત્માની પૂજા સમજીને કરું છું. હું 140 કરોડ દેશવાસીઓને ભગવાનનું સ્વરૂપ માનું છું. ભગવાને મને જે પણ જીવન આપ્યું છે, તેની દરેકે દરેક ક્ષણ અને મારા શરીરનો એકે-એક કણ માત્ર મા ભારતી માટે છે.
માતાએ મને કહ્યુ હતુ કે આ બે વાત હંમેશા યાદ રાખજો
પીએમ મોદીએ કહ્યું કે માતા હંમેશા મને પૂછતા હતા કે હું કાશી વિશ્વનાથ જાઉં છુ કે નહીં? જ્યારે માતા 100 વર્ષના થયા અને હું તેમના જન્મદિવસ પર તેમને મળવા ગયો ત્યારે માતાએ મને કહ્યું કે જીવનમાં બે બાબતો હંમેશા યાદ રાખજે. ક્યારેય લાંચ ન લેવી અને ગરીબોને ક્યારેય ભૂલવા નહીં. કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. PM મોદીએ એ પણ સ્પષ્ટપણે કહ્યું કે ચૂંટણીમાં રામ મંદિર પહેલા પણ મુદ્દો ન હતો અને ભવિષ્યમાં પણ નહીં હોય. રામ મંદિર શ્રદ્ધાનો મુદ્દો છે, ચૂંટણીનો નહીં.
“રાહુલ ગાંધી વાયનાડથી પણ ભાગ્યા”
PM મોદીએ જણાવ્યુ કે દેશે 400 પાર કરવાનું કહ્યું છે. અમે 400 પાર કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેમણે કહ્યું કે, યુપીમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલે. ગાંધી પરિવાર માત્ર મીડિયા માટે એક મહત્વપૂર્ણ પરિવાર છે. રાહુલ ગાંધી વાયનાડ છોડીને પણ ભાગી ગયા છે. કેરળ પણ હવે રાહુલ ગાંધીને ઓળખી ગયુ છે. અમેઠી હાર્યા એ બાદ તેઓ ક્યારેય અમેઠી નથી ગયા. યુપીની જનતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ઓળખી ગઈ છે.