ગુજરાત સરકારે વર્ષ 2026-27ના વાર્ષિક બજેટમાં શિક્ષણ અને જ્ઞાન આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરી છે. ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ તરીકે ઓળખાવાનારી આ મહત્ત્વાકાંક્ષી યોજના માટે રાજ્ય સરકારે ₹100 કરોડની ફાળવણી કરી છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે આ લાઇબ્રેરીને આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને વાંચનપ્રેમીઓને એક જ જગ્યાએ ઉચ્ચ ગુણવત્તાવાળી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ થઈ શકે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને પાટનગરમાં એક મજબૂત એકેડમિક સપોર્ટ સિસ્ટમ ઉભી કરવાનો છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક ઈ-રીડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ જર્નલ્સ, ઓનલાઇન અભ્યાસ સામગ્રી અને આધુનિક અભ્યાસ વિસ્તારો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઇબ્રેરીને સ્માર્ટ ટેકનોલોજી આધારિત બનાવવામાં આવશે જેથી યુઝર્સને પુસ્તકો અને સંશોધન સામગ્રી ડિજિટલ ફોર્મેટમાં સરળતાથી મળી રહે.
આ ઉપરાંત, સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની પહોંચ વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 15 આદિજાતિ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ લાઇબ્રેરીઓ દ્વારા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓને અભ્યાસ અને વાંચન માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી શિક્ષણમાં સમાનતા અને જ્ઞાનની પહોંચ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
સરકારે જણાવ્યું છે કે શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી અને ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોમાં નવી લાઇબ્રેરીઓનું નેટવર્ક રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં જ્ઞાન આધારિત વિકાસને ગતિ આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel